સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતની સુરત પોલીસે અજાણી યુવતીની હત્યાનો મામલો ઉકેલ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, યુવતીની હત્યા તેના જ પ્રેમીએ કરી હતી. 49 વખત છરીના ઘા મારીને હત્યા કરી નાખી. જોકે એક ટી-શર્ટના કારણે પોલીસ આરોપી સુધી પહોંચી શકી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હત્યાનો આ બનાવ સુરતના અમરોલીમાં 28 નવેમ્બરે બન્યો હતો.
ADVERTISEMENT
સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક અને ક્રાઈમ શરદ સિંઘલે જણાવ્યું કે, અમરોલીમાં અંજની ઈન્ડસ્ટ્રીયલ એરિયા પાસે ખેતરમાં એક યુવતીની લાશ મળી હતી. તેના શરૂર પર છરીથી 49 ઘા કરાયા હતા. બર્બરતાથી કરવામાં આવેલી આ હત્યાની તપાસ સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી.
પ્રેમીને લગ્ન નહોતા કરવા એટલે હત્યા કરી નાખી
કમિશનરે જણાવ્યું કે, યુવતી વિશે વિસ્તારમાં પૂછપરછ કરવામાં આવી, પરંતુ કોઈ ખાસ જાણકારી નહોતી મળી રહી. આ ઉપરાંત શહેરના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી. પછી જે ટી-શર્ટ યુવતીએ પહેરી રાખ્યું હતું, તેના આધારે ટીમને જાણવા મળ્યું કે, મૃત યુવતી ઓડિશાના ભુવનેશ્વરની રહેનારી કુનીદાસ સીમાદાસ હતી.
ઓડિશાથી યુવતીને ભગાડીને સુરત આવ્યો પ્રેમી
તપાસ આગળ વધતા સામે આવ્યું કે કુનીદાસનો ભુવનેશ્વરના જગન્નાથ ગૌડા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. કુની તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, જેના કારણે તે વારંવાર પ્રેમીને લગ્ન કરવાનું કહેતી હતી. બીજી તરફ જગન્નાથ લગ્ન કરવા નહોતો ઈચ્છતા. આથી તેણે ઘરેથી કુનીને ભગાડી અને સુરત આવી ગયો. સુરતમાં આવ્યા બાદ તે રીક્ષામાં તેને ફરવા માટે લઈ ગયો અને સુમસાન ખેતરમાં લઈ જઈને 49 વખત છરીના ઘા માર્યા અને ત્યાં જ તેને મૂકીને ફરી ભુવનેશ્વર જતો રહ્યો અને પોતાનું કામ કરવા લાગ્યો.
કમિશનરે કહ્યું કે, પ્રેમિકાની હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેના પર IPCની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં પૂછપરછ ચાલુ છે અને હત્યામાં અન્ય કોણ કોણ સામેલ હતું તેને લઈને તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT