મોરબી: મોરબીની મચ્છુ નદી પર બનેલા ઐતિહાસિક ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ વચ્ચે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં 9 જેટલા આરોપીઓની અટકાયત કરી ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. કોર્ટની કાર્યવાહી બાદ સરકારી વકીલ દ્વારા પુલના રિનોવેશનમાં કરાયેલી મોટી બેદરકારી વિશે તપાસમાં થયેલા ખુલાસાઓ પર નિવેદન આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સરકારી વકીલે શું ખુલાસા કર્યા?
સરકારી વકીલ હરસેન્દૂ પંચાલે જણાવ્યું હતું કે, બ્રિજના જે વાયર હતા તે બદલવામાં જ નહોતા આવ્યા, માત્ર ફ્લોરિંગ બદલવામાં આવ્યું છે. એમણે જે એલ્યુમિનિયમનું ફોર લેયર કર્યું છે, તેના વજનના કારણે કેબલ તૂટી ગયા તપાસમાં એવું નિકળ્યું છે. હકીકતમાં મોરબીના રાજા દ્વારા બનાવાયેલા જૂના બ્રિજ પર પહેલા ફ્લોરિંગ લાકડાનું હતું, જેના કારણે પુલનો વજન પણ ઓછો રહેતો હતો. જોકે એલ્યુમિનિયમના ફ્લોરિંગના કારણે તેનો વજન વધી ગયો હતો. ઉપરાંત કેબલ બદલવામાં નહોતા આવ્યા, એવામાં લોકો વધી જતા એલ્યુમિનિયમ અને લોકોના વજનના કારણે આ કેબલ તૂટી ગયા અને લોકો સીધી નદીમાં પડ્યા.
4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર
આ OREVA ગ્રુપ તથા બ્રિજનું રીપેરિંગ કરનાર દેવપ્રકાશ સોલ્યુશનની મોટી બેદરકારી કહી શકાય. હાલમાં મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાનનો મામલે મોરબી કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે તમામ 9 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાંથી 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT