અમદાવાદઃ ગુજરાતને હચમચાવી મુકનારા ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. રૂ.1400 કરોડના સટ્ટામાં ચાલી રહેલી પોલીસ તપાસમાં હવે વધુ મોટા ખુલાસાઓ થયા છે. જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોના નામે ખાનગી બેંકોમાં ખાતા ખોલાવીને રોજેરોજ કરોડોના RTGS કરાવી આંગડિયા મારફતે હવાલા પકડાવીને રોકડી કરી લેતા હતા.
ADVERTISEMENT
ગરીબોના નામે 1000 જેટલા બેંક ખાતા ખોલાવાયા
એક ખાનગી સમાચાર પત્રના રિપોર્ટે મુજબ, અમદાવાદના ગુલબાઈ ટેકરા, ચાંદખેડા, વાસણા સહિતના વિસ્તારોમાં રહેતા ગરીબોના ખાતાનો છેલ્લા અઢી વર્ષથી ક્રિકેટના સટ્ટા માટે ઉપયોગ કરવામાં આવતા. આશરે 1000 જેટલા ગરીબોના બેંક ખાતાઓ બુકીઓએ એજન્ટો મારફતે ખલાવ્યા હતા અને બુકીઓને 1 ટકા આપવામાં આવતા. આ ખાતામાં બેથી 10 કરોડ સુધીનું ટર્નઓવર કરવામાં આવતું. જ્યારે આ ખાતા ફ્રીઝ કરવામાં આવે ત્યારે ખાતુ આપનાર વ્યક્તિ ખાતા ધારકને લઈને બેંકમાં જતો અને પોલીસ સહિતનો ખર્ચ બુકી આપતો. આમ લાંબા સમયથી ગરીબોના ખાતામાં આ રીતે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરીને બુકીઓને ખાતા ભાડે આપનાર વ્યક્તિઓ મકાનો, મ્યુચ્યુઅલ ફંડ સહિતમાં કરોડોનું રોકાણ કર્યું છે.
આ રીતે પૈસા દુબઈમાં મેળવી લેતા
બીજી તરફ સ્થાનિક પોલીસ અને હપ્તાખોરીથી બચવા માટે આખું સટ્ટાબજારનું માર્કેટ દુબઈમાંથી ઓપરેટ કરાતું હોવાની પણ માહિતી મળી રહી છે. દુબઈમાં ભવ્ય વીલાઓમાંથી બેસીને બુકીઓ સટ્ટો રમાડતા અને ખાનગી બેંકોમાં જ ખાતા ખોલાવીને રોજે રોજ RTGS કરાવી આંગડિયા મારફતે હવાલા પડાવીને પૈસાની રોકડી કરી લેતા હતા.
કાળી કમાણીનો દરિયો
ક્રિકેટ સટ્ટામાં માત્ર બુકીઓ જ નહીં પણ તેમના એજન્ટ્સ પણ ભરપૂર કમાણી કરે છે. કરોડોની કમાણી આ કાળા ધંધામાંથી થતી હોય છે. જોકે આ ધંધામાં રમનારો મોટા ભાગે નુકસાન કરી બેસતો હોય છે, પરંતુ સટ્ટો રમવાનો એક નશો તેમના મનમાં ચઢેલો હોય છે. અલગ અલગ લાઈનમાં 5થી 7 કરોડ એક જ લાઈન દીઠ હોય છે. જે અલગ અલગ બુકીઓના હોય છે. તેના રૂપિયા કઢાવવા માટે ટપોરીઓ જ રિકવરી એજન્ટ બની જાય છે અને તેઓ રિકવરી કરી આપવાના પણ તગડા રૂપિયા કમાતા હોય છે. એક રીતે કહી શકાય કે કાળી કમાણીનો દરિયો છે અને તેમાંથી આ તો હજુ ચાંચમાં ભરાય તેટલું છે.
મોટાભાગે દુબઈથી સટ્ટો ચલાવાય છે
ગુજરાત પોલીસના ચોપડે બુકી તરીકે ચઢેલા રાકેશ રાજદેવ ઉર્ફે આરઆર સહિતના મોટા ભાગના બુકીઓ છેલ્લાં ઘણા વર્ષોથી પોતાનો કારોબાર દુબઈથી જ ચલાવી રહ્યા છે. ક્રિકેટના બુકીઓને મુક્ત માહોલ ત્યાં મળતો હોવાથી લગભગ તમામ બુકીઓ પોતાનો કાળો કારોબાર દુબઈ ખાતેથી ઓપરેટ કરે છે. દુબઈ બેઠેલો રાકેશ રાજદેવ અને તેનો સાગરિત ખન્ના અમદાવાદના શાહીબાગમાં રહેતા હરિકેશ પ્રણવકુમાર પટેલને ફોન પર સૂચનાઓ આપી અબજો રૂપિયાના વ્યવહાર કર્યા હોવાનું પણ સામે આવી ચુક્યું છે.
રાકેશ રાજદેવનો ઈતિહાસ
રાજકોટનો રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. સામે ગુજરાત પોલીસના ચોપડે ક્રિકેટ સટ્ટા બેટીંગના એક નહીં અઢળક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. રાકેશ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અમુક વર્ષ અગાઉ 3.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ થઈ ચુકી છે. રાકેશ રાજદેવે સસ્તામાં સોનું આપવાની લાલચ આપી અમદાવાદના શૈવલ પરીખ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. પણ બાદમાં, આ મામલે કોર્ટમાં સમાધાન થઈ ગયું હોવાની માહિતી સામે આવી હતી. પોતે સજ્જન વ્યક્તિ છે તેવો ઢંઢેરો પીટતો રાકેશ રાજદેવ અખબારમાં જાહેરખબર આપીને પોતાની છબી ચોખ્ખી કરવાના પ્રયત્નો કરી ચુક્યો છે.
ADVERTISEMENT