ગીર સોમનાથ: રાજ્યમાં આમ તો કડક દારુ બંધી હોવાનું કહેવાય છે, પરંતુ છાસવારે બુટલેગરો અવનવી તરકીબોથી દારુ ઘુસાડતા પકડાય છે. બુટલેગરોની દારુ ઘુસાડવાની ટેકનિક જોઈને ઘણીવાર પોલીસે પણ માથું ખંજવાળતી રહી જતી હોય છે. ત્યારે વેરાવળમાં પણ આવું જ બન્યું છે. જેમાં પોલીસે બાતમીના આધારે તપાસ કરતા કારની પાછલી સીટમાં ચોરખાનું બનાવીને સંતાડવામાં આવેલો દારૂ ઝડાપાયો હતો.
ADVERTISEMENT
કારની પાછલી સીટ અને બમ્પરમાં દારૂ સંતાડવાનું ખાનુ
ઉના વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કાર આવતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ગીમસોમનાથ પોલીસે વેરાવળ નજીક હિરણ નદીના પુલ પાસે એક કારને થોભાવી હતી. જેમાં કારમાં તપાસ કરતા પોલીસે પણ એક સમયે બાતમી ખોટી હોવાનું લાગ્યું. પરંતુ એલસીબીની ટીમે ઝીવણટભરી તપાસ કરતા કારમાં એવી-એવી જગ્યાએથી દારૂ મળ્યો કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ હતી.
કારમાંથી 83 દારૂની બોટલો મળી આવી
કારની તપાસમાં પોલીસને પાછલી સીટમાં ચોરખાનું મળ્યું હતું. જેમાં હાથ નાખતા અંદરથી વિદેશી દારૂની મોંઘી દાટ બોટલો મળી આવી હતી. આ સાથે કારના પાછલા બમ્પરને ખોલીને તપાસ કરતા ત્યાં પણ એક ખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હોવાનું જણાયું હતું. આમ કારમાંથી પોલીસને 83 જેટલી બોટલો મળી આવી હતી. હાલમાં પોલીસે દારૂનો આ જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT