નવી દિલ્હી: ટ્વિટરને એલન મસ્કે ખરીદ્યા બાદ તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. વેરિફાઈ એકાઉન્ટ માટે ચાર્જ વસૂલવાના નિયમો બાદ કંપની, સરકાર અને સેલેબ્રિટી માટે વેરિફિકેશન માર્ક પણ અલગ-અલગ રંગના આપવામાં આવી રહ્યા છે. ત્યારે PM મોદીના ટ્વિટર એકાઉન્ટ પર વેરિફાઈડ માર્ક ગ્રે રંગનું થઈ ગયું છે. જોકે હજુ સુધી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના એકાઉન્ટ પર બ્લૂ ટિક માર્ક દેખાય છે.
ADVERTISEMENT
આ રાજનેતાઓને મળ્યું ગ્રે ટિક માર્ક
PM મોદીની જેમ જ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન, યુકેના પ્રેસિડન્ટ ઋષિ સુનક તથા અન્ય કેટલાક દેશોના રાજકારણીઓના ટ્વિટર પ્રોફાઈલ પર ગ્રે ટિક માર્ક દેખાઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ ટ્વિટરની આ પોલિસી શું છે અને કેવા રંગનું ટિક માર્ક કોઈને આપવું એ કેવી રીતે નક્કી થાય છે?
કોને કયા રંગની ટિક માર્ક મળશે?
ટ્વિટરે 13મી ડિસેમ્બરે વેરિફિકેશન પોલિસીમાં કેટલાક ફેરફાર કર્યા હતા. જે મુજબ વડાપ્રધાન કાર્યાલય જેવા સરકારી સંસ્થાઓ અને રાજકારણીઓના ટ્વિટર એકાઉન્ટ પર ગ્રે ટિક માર્ક જોવા મળશે. જ્યારે કંપનીઓને ગોલ્ડ રંગનું ટિક માર્ક અને સામાન્ય નાગરિકો તથા સેલેબ્રિટીઓને બ્લૂ રંગનું ટિક માર્ક મળશે.
ટ્વિટરે ફરી વેરિફાઈડ એકાઉન્ટ માટે ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું
આ પહેલા ટ્વિટર ખરીદતા જ એલન મસ્કે વેરિફાઈડ એકાઉન્ટ માટે ચાર્જ વસૂલવાની વાત કરી હતી. જે મુજબ હાલમાં અમેરિકા સહિત કેટલાક દેશોમાં ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં વેબ માટે 8 ડોલર પ્રતિ માસ અને iOS માટે 11 ડોલર પ્રતિ માસનો ચાર્જ રાખવામાં આવ્યો છે. જો ભારતમાં આ સર્વિસ લાગુ થશે તો મહિને 700 રૂપિયા સુધીનો ચાર્જ ચુકવવો પડી શકે છે.
ADVERTISEMENT