PM મોદીનો માતૃપ્રેમ, હીરા બાનાં બર્થ ડે પર લખ્યો હતો બ્લોગ; વાંચો વિગતવાર..

દિલ્હીઃ માતા એ માત્ર કોઈ એક શબ્દ જ નથી પરંતુ વિશ્વાસ છે. મા એટલે સ્નેહ, ધૈર્યના સમન્વયથી હજારો ગુણ મળીને બનતો એક શબ્દ. વડાપ્રધાન નરેન્દ્ર…

gujarattak
follow google news

દિલ્હીઃ માતા એ માત્ર કોઈ એક શબ્દ જ નથી પરંતુ વિશ્વાસ છે. મા એટલે સ્નેહ, ધૈર્યના સમન્વયથી હજારો ગુણ મળીને બનતો એક શબ્દ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હીરા બા (હીરાબેન)ની ખૂબ નજીક છે. તે જ્યારે પણ અમદાવાદમાં હોય છે ત્યારે તેમને મળવા જાય છે. ગત 18 જૂને હીરા બાનો 100મો જન્મદિવસ હતો. બુધવારે હીરા બાની તબિયત બગડતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદી અત્યારે અમદાવાદમાં છે. જાહેર કરાયેલા નિવેદન અનુસાર, હિરા બાની હાલત અત્યારે સ્થિર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2019માં પીએમ નરેન્દ્ર મોદીએ Humans Of Bombayને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે અમારા ઘરે સવારે 5 વાગ્યાથી લોકોની લાઈનો લાગતી હતી. મારા માતા નવજાત શિશુઓ અને નાના બાળકોની પરંપરાગત ઉપચારથી સારવાર કરતા હતા. અમારા ઘરની સામે આજુબાજુના વિસ્તારમાંથી ઘણી માતાઓ તેમના બાળકો સાથે ભેગી થતી.

PM મોદીએ પોતાની વેબસાઈટમાં બ્લોગ લખ્યો..
હીરા બાના 100માં જન્મદિવસ પર, પીએમ મોદીએ તેમની સત્તાવાર વેબસાઇટ પર ‘મા’ શીર્ષક સાથે એક બ્લોગ લખ્યો હતો. અહીં તેના કેટલાક મહત્ત્વપૂર્ણ અંશો અમે બતાવી રહ્યા છીએ.

હું તમારા બધા સાથે કઈક શેર કરવા માંગુ છું…
આજે હું મારી ખુશી, મારું સૌભાગ્ય તમારા બધા સાથે શેર કરવા માંગુ છું. મારી માતા, હીરાબા આજે 18મી જૂને તેમના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. એટલે કે તેમનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. જો પિતા આજે જીવિત હોત તો તેઓ પણ ગત સપ્તાહે 100 વર્ષના થયા હોત. એટલે કે 2022એ એક વર્ષ છે જ્યારે મારી માતાનું જન્મ શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે.

ગત સપ્તાહે મારા ભત્રીજાએ ગાંધીનગરથી મારી માતાના કેટલાક વીડિયો મોકલ્યા હતા. સોસાયટીના કેટલાક નાના છોકરાઓ ઘરે આવ્યા છે, ખુરશી પર પિતાની તસવીર રાખવામાં આવી છે, ભજન કીર્તન ચાલી રહ્યું છે અને માતા ભજન ગાઈ રહ્યા છે અને મંજીરા વગાડી રહ્યા છે. માતા હજુ પણ એવા જ છે. શરીરની ઉર્જા ભલે ઓછી થઈ ગઈ હોય પણ મનની ઉર્જા યથાવત છે.

માતાની તપસ્યા, તેમના બાળકને યોગ્ય વ્યક્તિ બનાવે છે
પીએમે આગળ લખ્યું હતું કે, માતાની તપસ્યા તેના બાળકને યોગ્ય વ્યક્તિ બનાવે છે. માતાનો પ્રેમ તેના બાળકને માનવીય સંવેદનાઓથી ભરી દે છે. માતા એ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ નથી, માતા એક સ્વરૂપ છે. આપણે અહીં કહેવાય છે કે, જેવો ભક્ત, એવા ભગવાન. એ જ રીતે આપણા મનની મનોદશા પ્રમાણે આપણે માતાના સ્વરૂપનો અનુભવ કરી શકીએ છીએ. મારી માતાનો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયો હતો. તે વડનગરથી બહુ દૂર નથી.

મારી માતાને તેમના માતા એટલે કે મારા નાનીનો પ્રેમ મળ્યો નથી. એક સદી પહેલા વૈશ્વિક રોગચાળાની અસરો ઘણા વર્ષો સુધી ચાલી હતી. આ જ રોગચાળાએ મારી માતા પાસેથી મારા નાનીને પણ છીનવી લીધા હતા. ત્યારે માતા થોડા દિવસની જ હશે. તેમણે મારા નાનીનો ચહેરો, તેનો ખોળો, કંઈપણ યાદ નથી. માતાને મૂળાક્ષરનું જ્ઞાન પણ નહોતું મળ્યું, તેમણે શાળાનો દરવાજો પણ જોયો ન હતો. તેમણે ઘરમાં બધે જ ગરીબી જોઈ હતી. પરંતુ જીવનનાં સંઘર્ષોએ મારા માતાને શ્રેષ્ઠ બનાવી દીધા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp