સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. તેવામાં 29 સપ્ટેમ્બરે સુરત ખાતે તેમના આગમન પૂર્વે સર્કિટ હાઉસમાં બેઠક મળી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન મંડપ, પાર્કિંગ અને કમિટિ વ્યવસ્થા, પ્રોટોકોલ, સ્ટેજ મેનેજમેન્ટ સહિતના મુદ્દાઓ પર નજર કરવામાં આવી હતી. વળી આ દરમિયાન નરેન્દ્ર મોદી રૂ.3100 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવા પણ જઈ રહ્યા છે.
ADVERTISEMENT
સુરત પ્રવાસની પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂ
નરેન્દ્ર મોદીના પ્રવાસ પૂર્વે મેયર હેમાલીબેન, મ્યુ.કમિશનર બંછાનિધિ અને જિલ્લા કલેક્ટર આયુષ સહિતના પદાધિકારીઓ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું. નોંધનીય છે કે 29 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે લિંબાયત થાકે નીલગિરી મેદાનમાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજાવવા જઈ રહ્યો છે.
કાર્યક્રમના આયોજન અર્થે પાર્કિંગ સહિતની સુવિધાઓનું અવલોકન કરાયું
વડાપ્રધાન મોદીના કાર્યક્રમના આયોજન અર્થે મંડપ, પાર્કિંગ અને વ્યવસ્થા કમિટી, સંકલન, પ્રોટોકોલ, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન, કંટ્રોલરૂમ જેવી 16 જેટલી સમિતિઓની રચના કરી નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વડાપ્રધાન મોદીના હસ્તે લાભો એનાયત કરવામાં આવશે.
ADVERTISEMENT