અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે પણ પ્રાચર કરવાનું જોરશોરથી શરૂ કરી દીધું છે. તેવામાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 5 દિવસના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વિકાસલક્ષી મોટી જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ LG મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી કોલેજ કરાયું હતું.
ADVERTISEMENT
5 દિવસમાં 12થી વધુ સભા સંબોધશે
વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસલક્ષી જાહેરાત કરી શકે છે. તેવામાં સપ્ટેમ્બર અને ઓક્ટબર મહિના દરમિયાન તેઓ 5 દિવસ ગુજરાત પ્રવાસ પર હશે. જેમાં તેઓ કુલ 12 જેટલી જનસભાને સંબોધશે. નોંધનીય છે કે આ દરમિયાન વડાપ્રધાન મોદી સુરત, ભાવનગર, અંબાજી, જામનગર, ભરૂચ અને રાજકોટના પ્રવાસે આવશે. જ્યાં જનસભાને સંબોધશે. આ ચૂંટણી પહેલા ભાજપ પણ પ્રચાર કરવા કમરકસી રહી છે.
નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ…
- 29, 30 સપ્ટેમ્બરઃ PM મોદી સુરત, ભાવનગર અને અંબાજી પ્રવાસે
- 9 ઓક્ટોબરઃ મોડાસામાં નરેન્દ્ર મોદી પ્રવાસ કરી શકે છે, જોકે હજુ સુધી આનું માળખુ નક્કી નથી
- 10 ઓક્ટોબરઃ જામનગર અને ભરૂચ ખાતે વડાપ્રધાન મોદી જનસભાને સંબોધશે
- 11 ઓક્ટોબરઃ PM મોદી રાજકોટના જામકંડોરણાના પ્રવાસે જશે
અગાઉ પ્રવાસ દરમિયાન PM મોદી એક્શનમાં જોવા મળ્યા..
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટે કમલમ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન લગભગ 2 કલાક સુધી એક બાદ એક એમ બે બેઠકો કરી હતી. PMએ પહેલા ભાજના હોદ્દેદારો અને બાદમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને આ બાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે ચૂંટણી અંગે ખાસ ચર્ચા કરી હતી.
વડાપ્રધાને કોર કમિટીને શું સૂચન કર્યું?
વડાપ્રધાનની કમલમમાં 2 કલાક લાંબી બેઠક ચાલી હતી. ભાજપના સૂત્રો મુજબ વડાપ્રધાને આ બેઠકમાં ભાજપની સરકારે 20 વર્ષમાં અત્યાર સુધી શું કર્યું, રાજ્યમાં કેવો વિકાસ કર્યો તે લોકો સુધી પહોંચાડવા માટે સૂચન કર્યું હતું. સૂત્રો મુજબ, તેમણે હોદ્દેદારોને બેસી રહેવા નહીં પણ પ્રજા વચ્ચે જઈને કામ કરવા કહ્યું. સાથે જ તેમણે રાજ્યમાં અન્ય પાર્ટીઓ જેવી રીતે એક્ટિવ થઈ રહી છે એવી રીતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ પર ઉતરવા માટે કહ્યું હતું.
ADVERTISEMENT