અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીથી કેન્દ્રિય નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને ફરી 2 વખતે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. જેમાં 10મી સપ્ટેમ્બર અને ત્યાર બાદ 26મી સપ્ટેમ્બરે એટલે કે પહેલા નોરતે તેઓ ગુજરાત આવી શકે છે. જેમાં નવરાત્રિના પહેલા નોરતે તેઓ અમદાવાદીઓને મેટ્રો ટ્રેનની ભેટ આપી શકે છે.
ADVERTISEMENT
નવરાત્રિમાં મળશે મેટ્રોની ભેટ
માહિતી મુજબ, અમદાવાદ મેટ્રોનો વસ્ત્રાલ-થલતેજ અને AMPC-મોટેરા રૂટ તૈયાર થઈ ગયો છે. એવામાં વડાપ્રધાન મોદી 26મીએ નવરાત્રિના પહેલા નોરતે અમદાવાદીઓને મેટ્રોની ગિફ્ટ આપી શકે છે. 3 કોચ સાથે દોડતી મેટ્રો 80 કિ.મીની ઝડપે દોડશે. મેટ્રોમાં રોજ હજારો લોકો મુસાફરી કરી શકશે. હાલમાં વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડે છે, એવામાં મેટ્રોના નવા રૂટ મળતા અમદાવાદીઓને મોટો ફાયદો થશે.
શું હશે 10મી સપ્ટેમ્બરે PMનો કાર્યક્રમ?
વડાપ્રધાન મોદી ગુજરાતમાં યોજાનાર વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. આ કોન્ફરન્સમાં 28 રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ ભાગ લેશે. સતત બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ પણ સામેલ થઈ શકે છે. જ્યારે 100થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોના CEO પણ કાર્યક્રમમાં સામેલ થાય તેવી શક્યતા છે.
ઓગસ્ટમાં પણ ગુજરાત આવ્યા હતા PM
નોંધનીય છે કે, આ પહેલા 27 અને 28 ઓગસ્ટે પણ PM મોદી ગુજરાતના પ્રવાસે હતા. જેમાં તેમણે અમદાવાદમાં અટલ બ્રિજનું ઉદ્ધાટન કરી જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. આ બાદ તેઓ કચ્છમાં પણ ભૂકંપ પીડિતોની યાદમાં બનેલા સ્મૃતિ વનને ખુલ્લું મૂક્યું હતું.
ADVERTISEMENT