BAPS Mandir in Abu Dhabi: સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર ખુલવા જઈ રહ્યું છે. આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 14 ફેબ્રુઆરીએ થશે. આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
ADVERTISEMENT
PM મોદીને અપાયું આમંત્રણ
ગુરુવારે મંદિરનું એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામીએ PM મોદીને મહંત સ્વામી વતી મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીને આમંત્રણ અપાયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ બેઠક પછી, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી કે ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામીએ મહંત સ્વામીજી વતી અબુધાબીમાં 14 ફેબ્રુઆરી 2024એ BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લોકાર્પણ સમારોહ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. મોદીએ આ આમંત્રણ સ્વીકાર્યું.
સ્વામિનારાયણ સંતોની PM સાથે મુલાકાત
અબુધાબીના હિંદુ મંદિરના પ્રતિનિધિમંડળે પીએમ મોદી સાથે લગભગ એક કલાક સુધી અનૌપચારિક મુલાકાત કરી હતી. આ દરમિયાન, વૈશ્વિક સૌહાર્દ માટે હિન્દુ મંદિરોના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વના મોદીના વિઝનની પણ ચર્ચા કરવામાં આવી હતી.
અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર હશે
તમને જણાવી દઈએ કે અબુ ધાબીનું આ પહેલું હિંદુ મંદિર છે, જે અલ વકબા સ્થાન પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનેલું છે. આ મંદિરને ખૂબ જ આધુનિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પ્રાચીન કલા અને આધુનિક સ્થાપત્યના સમન્વયથી બનેલા આ મંદિરનું કોતરણીકામ અજોડ છે.
મંદિરની વેબસાઇટ અનુસાર, આ મંદિર શાહી, પરંપરાગત હાથથી કોતરેલા પથ્થરોથી બનેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
આ મંદિરને ભારત અને UAE વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. પીએમ મોદીએ આ મંદિર નિર્માણ પ્રોજેક્ટને ભારત અને UAE વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક ગણાવ્યું હતું.
ADVERTISEMENT