કેવડિયાઃ મોરબીમાં પૂલ ધરાશાયી થતા 140થી વધુ લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય એકતા દિવસમાં સરદાર પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સંબોધન દરમિયાન ભાવુક થઈ ગયા હતા. વડાપ્રધાને મોરબીની કરૂણાંતિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું અત્યારે નર્મદામાં છું પરંતુ મન મોરબીમાં છે. આ સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીના અવાજથી સ્પષ્ટપણે લાગતું હતું કે તેઓ ભાવુક થઈ ગયા છે.
ADVERTISEMENT
દુઃખની ઘડીમાં સરકાર પીડિત પરિવારની સાથે છે- PM મોદી
મોરબીની દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાની સાથે જ વડાપ્રધાન મોદીનો અવાજ રૂંધાઈ ગયો હોય એમ લાગી રહ્યું હતું. તેઓ તદ્દન ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે આ પ્રમાણેની પીડા મેં મારા જીવનમાં ખૂબ જ ઓછી અનુભવી છે. એક બાજુ અત્યારે દર્દભર્યું હૃદય છે જ્યારે બીજી બાજુ કર્તવ્યપથ છે. અત્યારે હું અહીં હાજર છું પરંતુ મારું મન તો મોરબી દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે જ છે.મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે- વડાપ્રધાન મોદી
PM મોદીએ વધુમાં કહ્યું કે મારુ મન કરૂણાથી ભરાઈ ગયું છે અને મોરબીના પીડિત પરિવારો સાથે છે. અત્યારે મુખ્યમંત્રી પણ મોરબીમાં સતત કાર્યરત છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકોને બને એટલી મદદ કરાશે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે.
મોરબીમાં દુર્ઘટના બાદ PMએ તમામ કાર્યક્રમો રદ કર્યા
નોંધનીય છે કે, ગઈકાલે રવિવારે સાંજે મોરબીમાં બ્રીજ તૂટી પડવાની દુર્ઘટના બાદ વડાપ્રધાને પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. ભાજપના કાર્યકરો સાથેનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ મોકૂફ રાકવામાં આવ્યો હતો. એવામાં તેઓ કેવડિયામાં કાર્યક્રમ બાદ સીધા જ મોરબી જવા રવાના થઈ શકે છે.
ADVERTISEMENT