‘કોંગ્રેસ મોડલ એટલે પરિવારવાદ, વોટબેંક પોલિટિક્સ, કોંગ્રેસ મોડલે ગુજરાત અને દેશને બરબાદ કર્યો’

મહેસાણા: ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણી પ્રચાર માટે આવેલા PM મોદીએ આજે મહેસાણામાં જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે 20 વર્ષમાં ભાજપની સરકારે કરેલા વિવિધ કામો ગણાવ્યા…

gujarattak
follow google news

મહેસાણા: ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણી પ્રચાર માટે આવેલા PM મોદીએ આજે મહેસાણામાં જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે 20 વર્ષમાં ભાજપની સરકારે કરેલા વિવિધ કામો ગણાવ્યા હતા સાથે જ આ વખતે સૌથી વધુ મતદાન થાય તે માટે લોકોને શપથ લેવડાવ્યા હતા. PM મોદીએ નીતિન પટેલને જૂના મિત્ર કહી મોઢેરાના સૂર્ય ગ્રામને યાદ કર્યું હતુ.

PM મોદીએ કહ્યું કે, આ ચૂંટણી મોદી નથી લડી રહ્યા. ન નરેન્દ્ર લડે છે, ન ભૂપેન્દ્ર લડે છે. આ ચૂંટણી મંચ પર બેસનારા પણ નથી લડતા. આ વખતે ગુજરાતની ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. જ્યાં જઈએ ત્યાં એક જ અવાજ સંભાળાય, ફીર એક બાર ભાજપ કી સરકાર. આ જોમ અને જુસ્સો ગુજરાતના ખુણે ખુણે છે. યુવાનો જાહેર જીવનમાં રસ લેતા થયા છે. રાજકીય પ્રવૃત્તિઓના આટાપાટા સમજીને સત્યના પારખા કરી રહ્યા છે તેમણે દેશના ભવિષ્ય માટે નવી આશા પેદા કરી છે. દેશની યુવા પેઢી ભાજપ તરફ જે ભળી છે, તે આંખે પાટા બાંધીને નીકળેલી પેઢી નથી. એક એક બારીક પગલાનું નિરીક્ષણ કરે છે પછી કયા રસ્તે જવું તેનું નિરીક્ષણ કરે છે. તેણે જોયું છે કે કોંગ્રેસ ભૂતકાળમાં સરકાર ચલાવતી હતી તે તેમણે બરાબર ખબર છે.

એટલે જ તેમને લાગે છે કે દેશને આગળ લઈ જવો હશે, આવનારા 25 વર્ષમાં દેશને સમૃદ્ધ-વૈભવી બનાવવા ભાજપની નીતિ, રણનીતિ જ કામ આવશે. તેણે ખબર છે કે, કોંગ્રેસનું મોડલ શું છે. કોંગ્રેસ મોડલ એટલે ખરબોનો ભ્રષ્ટાચાર, કોંગ્રેસ મોડલ એટલે ભાઈ-ભત્રીજા વાદ, વંશવાદ, પરિવારવાદ, જાતિ વાદ, સંપ્રદાયવાદ, વોટબેંક પોલિટિક્સ, આ જ કોંગ્રેસની ઓળખ છે. કોંગ્રેસ સત્તાની ટકી રહેવા ભાગલા પાડો, શહેરને ગામડા જોડે લડાવો, આ જ કર્યા કરવાનું. બીજી કરામત લોકોને પછાત જ રાખવાના. આ એમનું મોડલ. કોંગ્રેસના આ મોડલે ગુજરાતને તબાહ કર્યું પણ દેશ આખાને પણ બરબાદ કર્યો છે. ભાજપ એવી પાર્ટી છે જેના માટે વ્યક્તિ કરતા પક્ષ અને પક્ષ કરતા દેશ મહાન. આ અમારા સંસ્કાર છે.

પ્રધાનમંત્રી બોલ્યા, ભૂતકાળમાં ચૂંટણી હોય એટલે વીજળી-પાણીની ચર્ચા થાય. સરકાર પર માછલા ધોવાતા હોય. સરકારમાં બેઠેલા લોકો મોઢું છુપાવતા હોય. કોંગ્રેસની સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ હોય. વીજળી-પાણીની ઘરે ઘરે સમસ્યાઓ. 20 વર્ષમાં આપણે જે કામ કર્યા છે એના કારણે વિરોધીઓને વીજળી અને પાણીનો મુદ્દો ઉઠાવવા અવસર જ નથી મળતો. કેટલાક કામો અમે એવા કર્યા કે વિપક્ષને પ્રશ્ન કયો પૂછવો તે પણ નહોતા મળતા. તેમના પ્રશ્નો ખૂટી પડતા.

કોંગ્રેસની સરકાર હતી, વિધાનસભાનો ઘેરાવ કરવા ખેડૂતો નીકળ્યા હતા. ત્યારે વીજળી આપવાના બદલે સરકારે ગોળીએ દીધી હતી. અનેક જવાનોને મોતના ઘાટ ઉતારી દીધા હતા. 20-25 વર્ષના જવાનીયાઓને ખબર નહીં હોય. આ કોંગ્રેસનું મોડલ હતું. તમે વીજળી માગો અને ગોળીએ વિંધી નાખતા. અમે 20-22 વર્ષ પહેલા પાવર સેક્ટરમાં રિફોર્મ શરૂ કર્યા. 80 હજાર કિલોમીટર લાંબી ટ્રાન્સમિશનના નવા તાર નાખ્યા. ભાજપ સરકારે હજારો નવા ટ્રાન્સફોર્મર નાખ્યા. સેંકડો નવા સબસ્ટેશનો ઊભા કર્યા. 20 લાખ જેટલા નવા વીજળીના થાંભલા નાખ્યા. કોઈ દેશમાં કર્યું હોય એટલું ગુજરાતમાં કર્યુ. 20 વર્ષ પહેલા 55 લાખ આસપાસ વીજ કનેક્શન હતા. આજે 2 કરોડથી વધુ વીજ કનેક્શન છે. ખેતરના વીજ કનેક્શન 5 લાખથી ઓછા હતા. આજે 20 લાખથી વધુ છે.

20 વર્ષ પહેલા ગુજરાતમાં કોલસાથી 55 મેગાવોટ વીજળી હતી. આજે કોલસાથી 17 હજાર મેગાવોટ વીજળી પેદા થાય છે. અંધકાર યુગમાંથી પ્રકાશ યુગમાં લાવવા માટે આટલું મોટું કામ કર્યું. સૂર્ય શક્તિથી ન બરાબર વીજળી પેદા થતી, આજે 8000 મેગાવોટ વીજળી સૂર્ય શક્તિથી પેદા થાય છે. 20 વર્ષ પહેલા વિન્ડ પાવરનું નામ નહોતું આજે ગુજરાતમા 10000 મેગાવોટ વીજળી પવન ચક્કીથી મળે છે. હાઈડ્રો પાવરથી માત્ર 500 મેગાવોટ આસપાસ હતી આજે આપણે 800 મેગાવોટ સુધી પહોંચાડી છે.

પહેલા વીજળી મળે કે નહીં તેના ઝઘડા થતા, તે દિવસોથી આજે આપણે તમે ઘરમાં વીજળી પેદા કરી શકો ત્યાં સુધી લઈ ગયા આપણે. 20 વર્ષમાં ગુજરાતને આપણે તેજસ્વી, શક્તિશાળી બનાવ્યું છે, તેનો અંદાજ આજના નેતાઓ જે ભાષણ કરવા આવે છે તેમને મુસીબતો કાગળ પર લખતા નો આવડે. મહેસાણામાં પાણીને વલખા પડે. હું આ જ માટીમાં મોટો થયો છું. અઠવાડિયામાં એક દિવસ નળમાં પાણી આવે તો દિવાળી જેવો ઉત્સવ લાગે. પાણી માટે બેડા લઈને જવું પડે. કૂવામાં નીચે ઉતરવું પડે તેમાંથી આપણે બહાર આવ્યા.

પશુઓની પણ એટલી ચિંતા કરી છે. કેટલાક લોકોને એવું લાગે કે અમે રાજકારણ કરીએ છીએ, વોટના ભૂખ્યા છીએ. અરે પશુ વોટ ન આપે તો પણ તેના પગની ચિંતા કરતા. હું પશુ આરોગ્ય મેળા ચલાવતો, પશુના દાંતની ચિંતા માટે સારવાર કરાવતો. પશુ પાલનની દિશામાં મોટું અભિયાન દેશમાં ચલાવ્યું છે. 14 હજાર કરોડ ખર્ચી પશુઓને મફત રસીકરણનું અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. મહેસાણા ઓટો હબ બની રહ્યું છે. અહીંથી બનતી ગાડીઓ જાપાન જાય છે. આ ઉત્તર ગુજરાતની ધરતીની તાકાત છે. ઉત્તર ગુજરાત ઈલેક્ટ્રિક વ્હીકલનું હબ બની રહ્યું છે. 1930માં અંગ્રેજોએ મહેસાણાથી તારંગા-અંબાજી રેલવે લાઈન કરી. 100 વર્ષમાં કોઈને કાગળિયા જોવાનો સમય ન મળ્યો અને મેં અંબાજી-તારંગા લાઈનનું કામ શરૂ કરાવ્યું. આજે મારા ઘરે, મારા ગામમાં આવ્યો છું ત્યારે મારી એક જ વિનંતી છે. મારે વધુમાં વધુ વોટ પડે તેની ચિંતા છે. જૂના બધા રેકોર્ડ તૂટી જાય અને વધુમાં વધુ મતદાન કરજો.

 

    follow whatsapp