અમદાવાદ: ગુજરાતમાં વિધાસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળે સોમવારે PM મોદીની હાજરીમાં શપથ લીધા હતા. જોકે ગત બુધવારે PM મોદી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ફરી એકવાર ગુજરાત આવ્યા હતા, જ્યાં તેમણે એરપોર્ટ પર જ નવા મંત્રીઓ સાથે એક ગુપ્ત બેઠક યોજી હતી. ત્યારે આ બેઠકમાં PM મોદીએ નવા મંત્રીઓને એક ખાસ ટકોર કરી હતી.
ADVERTISEMENT
મંત્રીઓને સોમથી શુક્ર સચિવાલયમાં રહેવા કહેવાયું
મીડિયા અહેવાલ મુજબ, PM મોદીની ભૂપેન્દ્ર સરકારના આ નવા મંત્રીમંડળની બેઠકમાં તેમને કહેવાયું હતું કે, જનતાએ ખૂબ મોટા આશીર્વાદ આપ્યા છે એટલે ધગશથી કામ કરજો. પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે તમારા પરિવારની કોઈ વ્યક્તિ કે સગો ઓફિસમાં ન હોવા જોઈએ. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવા માટે કહ્યું હતું. આ સાથે જ તેમણે સોમવારથી શુક્રવાર સુધી સચિવાલયમાં પોતાની ઓફિસમાં જ રહેવા માટે સૂચના અપાઈ છે. જ્યારે શનિ-રવિવારે પ્રવાસ માટે ફાળવવા કહેવાયું છે.
ખોટી ભલામણો ન કરવા સૂચન
જ્યારે સી.આર પાટીલે પણ નવા મંત્રીઓને ખોટી ભલામણો ન સ્વીકારવા અને ખોટું થયું હોય તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માટે સૂચન કર્યું હતું. ખાસ વાત છે કે, ઘણીવાર ઉચ્ચ હોદ્દા પરના નેતાઓ તથા મંત્રીઓની કામગીરીમાં પરિવાર કે સગા સંબંધીઓનો હસ્તક્ષેપ થતો હોય છે. આ કારણે જ કેટલાક નેતાઓ પર ભ્રષ્ટાચારના પણ આક્ષેપો ઉઠ્યા હતા. એવામાં ભાજપ ગુજરાતની નવી સરકારને આ પ્રકારની ભૂલોથી બચવા માટે ખાસ સૂચન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT