સંજયસિંહ રાઠોડ/નવી દિલ્હી: મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના પાછળના કારણોની તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી થઈ છે. આજે આ મેટરને અરજન્ટ સુનાવણી તરીકે રજૂ કરવાની યોજના છે. અરજીમાં આ માનવીય બેદરકારીથી થયેલી દુર્ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજના નેતૃત્વમાં SIT બનાવવાની માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
દેશના તમામ બ્રિજ પર ભીડને નિયમિત મેનેજ કરવાની માંગ ઉઠી
અરજીમાં કહેવાયું છે કે, આવી ઘટના ભવિષ્યમાં ફરીથી ન થાય આ માટે દેશભરમાં જેટલા પણ જૂના બ્રિજ અથવા મોન્યુમેન્ટ છે ત્યાં એકઠી થનારી ભીડ પર નિયમિત મેનેજ કરવા માટે કડક અને વ્યવહારિક નિયમ બનાવવાની અપીલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરનારા વકીલ વિશાલ તિવારીએ આ જાહેરહિતની અરજી દાખલ કરી છે.
મોરબીમાં બ્રિજ તૂટતા 137નાં મોત
નોંધનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઐતિહાસિક બ્રિજ રીનોવેશન બાદ ખુલ્યાના 5 દિવસમાં જ રવિવારે સાંજે એકાએક તૂટી પડ્યો હતો. જેમાં 134 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ કેટલાય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ રાજ્ય સરકારે પાંચ સભ્યોની એક SITની રચના કરી છે, જે આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તેની તપાસ કરી રહી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે મોરબીમાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લેવા જશે. ઉપરાંત તેઓ દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લેવાના છે.
ADVERTISEMENT