ફેસબુકે બનાવી જોડી, પાનનો ગલ્લો ચલાવતા 10મું પાસ યુવકને પરણવા ફિલિપીન્સથી સુરત આવી મહિલા

સંજયસિંહ રાઠોડ/સુરત: કહેવાય છે કે પ્રેમ કોઈ જાતિ કે ધર્મ અને અમીર કે ગરીબ નથી જોતો. ક્યારે ક્યાં કોની સાથે પ્રેમ થઈ જાય કંઈ કહી…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: કહેવાય છે કે પ્રેમ કોઈ જાતિ કે ધર્મ અને અમીર કે ગરીબ નથી જોતો. ક્યારે ક્યાં કોની સાથે પ્રેમ થઈ જાય કંઈ કહી શકાતું નથી. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. અહીં પાનનો ગલ્લો ચલાવતા એક વિકલાંગ યુવકની ફિલિપાઈન્સની એક મહિલા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. વાતનો ક્રમ એવો ચાલ્યો કે બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. હવે બંને 20 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે.

બંનેની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. મળતી માહિતી મુજબ દસમું પાસ સુરતના યુવકને અંગ્રેજી ભાષા પણ આવડતી ન હતી. પણ કહેવાય છે કે પ્રેમ બધું શીખવે છે. એ જ રીતે, ટ્રાન્સલેશનની એપ્લિકેશન દ્વારા, ફેસબુક પર બંને વચ્ચે ચેટિંગ થયું અને થોડા વર્ષો પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. મહિલા લગ્ન માટે સુરત આવી છે. કારણ કે બંને અહીં જ લગ્ન કરશે.

પાનનો ગલ્લો ચલાવે છે કલ્પેશ
મળતી માહિતી મુજબ, સુરત વરાછા વિસ્તારમાં યોગી ચોક પાસે પાનનો ગલ્લો ચલાવતા કલ્પેશભાઈ માવજીભાઈ કાછડિયા વિકલાંગ વ્યક્તિ છે. તે ચાલી શકતા નથી. 43 વર્ષીય કલ્પેશના પરિવારમાં બે બહેનો અને એક ભાઈ છે. તેમના પરિવારમાં બધા પરિણીત છે. તે વિકલાંગ હોવાથી કલ્પેશ લગ્ન કરવા માંગતો ન હતો.

ફેસબુક પર રેબેકા સાથે થઈ મિત્રતા
ત્યારબાદ 2017માં તેને ફેસબુક પર 42 વર્ષની રેબેકા નામની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી.બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી. કલ્પેશને અંગ્રેજી આવડતું નહોતું એટલે રેબેકાનો મેસેજ આવે ત્યારે તે તેના મિત્રોને પૂછીને જવાબ આપતો. બાદમાં, તેણે અંગ્રેજી એપ્લિકેશન દ્વારા જવાબ આપવાનું શરૂ કર્યું.

લોકડાઉનના કારણે ભારત ન આવી શકી રેબેકા
કલ્પેશે તેની બધી વાર્તા રેબેકાને કહી કે તે શારીરિક રીતે વિકલાંગ છે. રેબેકાએ તેને એમ પણ કહ્યું કે, તેના પતિનું અવસાન થયું છે અને તે હવે સિંગલ છે. બંને એકબીજાની એટલા નજીક આવ્યા કે તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા. રેબેકા અને કલ્પેશ છેલ્લા 5 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. તેથી જ રેબેકાએ 2020માં ભારત આવવાનો પ્લાન પણ બનાવ્યો હતો. તેની ટિકિટ પણ બુક થઈ ગઈ હતી. પરંતુ તે દરમિયાન, 24 માર્ચ 2020 ના રોજ, દેશમાં લોકડાઉન હતું. જેના કારણે તે ભારત આવી શકી ન હતી.

20 નવેમ્બરે થશે લગ્ન
પરંતુ તેમ છતાં બંને એકબીજાના સંપર્કમાં હતા. આ વખતે રેબેકાએ નક્કી કર્યું હતું કે તે ભારત આવીને કલ્પેશ સાથે લગ્ન કરશે. રેબેકા ઓક્ટોબર 2022માં દિવાળીના દિવસે ભારત આવી હતી. બંને એકબીજાને મળીને ખૂબ જ ખુશ હતા. કલ્પેશે પરિવારના સભ્યો સાથે રેબેકાનો પરિચય પણ કરાવ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો પણ બંનેના લગ્ન માટે સંમત થયા હતા. હવે બંને ભારતીય પરંપરા અનુસાર 20 નવેમ્બરે લગ્ન કરશે.

    follow whatsapp