ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ અનેક આંદોલનો સરકાર સામે આવી રહી છે. આ સાથે હવે સરકાર સામે વધુ એક સમસ્યા આવી છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના હસાનાપુર ગામ માં ખેતીલાયક વીજળી નહિ મળતા લોકોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT
જૂનાગઢના વિસાવદર તાલુકાના હસાનાપુર ગામમાં ખેતીલાયક વીજળી નહિ મળતા લોકો ગુલમિભર્યા જીવન જીવતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. આઝાદીના 75 વર્ષ પછી પણ વીજળી નહિ મળતાં ગામ લોકો રોષે ભરાયા અને આવનારી ચુંટણીમાં ગામના કોઈ લોકો મતદાન નહિ કરે તેવી ચીમકી આપી રહ્યા છે.
વીજળી ન મળતા રોષે ભરાયા
હસનાપૂર્ ગામ ગીર જંગલની ખુબ જ નજીક આવેલ છે અને તે સેટલમેન્ટ ગામ તરીકે ઓળખાય છે. અહી કોઈ પણ જાતના વિકાસ માટે વન વિભાગની પરમિશન લેવી પડતી હોય છે. વન વિભાગના કાયદા કડક હોય છે જેથી આજ દિન સુધી આ ગામ સુધી વીજળી પહોંચી નથી. હસનાપૂર ગામના લોકો વીજળી ન મળતા રોષે ભરાયા છે. અને કહી રહ્યા છે કે અનેક સેટલમેન્ટ ગામો માં વીજળી પહોંચી છે તો હસાનાપૂર ગામના ખેડૂતો શા માટે વીજળીથી વંચિત રખાયા છે.
ચુંટણીના બહિષ્કારની ચીમકી
હસનપુર ગામમાં 500 મતદારો છે જેને અનેક વખત તંત્ર પાસે રજૂઆત કરી છે ધારાસભ્યએ વિધાનસભામાં પણ આ અંગે રજૂઆત કરી હતી. સરકારે વીજળી આપવાની ખાત્રી આપી હતી પણ આજ દિન સુધી વીજળી નહિ મળતાં ખેડૂતો નિરાશ થયા છે અને મામલતદાર ને આવેદન આપી કહી રહ્યા છે કે જો ટુંક સમયમાં વીજળી આપવામાં નહિ આવે તો સમગ્ર ગામ ચુંટણીનો બહિષ્કાર કરશે.
વિકાસની વાતો પોકળ
21 મી સદીમાં દેશમાં વિકાસની વાતો અહી પોકળ સાબિત થાય છે આજે પણ અહીંનો ખેડૂતો ડીઝલ થી પંપ ચલાવી ખેતી કરી રહ્યો છે. સદીઓથી ચાલી આવતી પ્રણાલીમાં જીવવા મજબૂર બન્યા છે. સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કરે તે ખૂબ જરૂરી છે.
વન વિભાગના કાયદાઓ અવરોધ
જૂનાગઢ જિલ્લામાં હસ્નાપૂર જેવા અનેક ગામો છે નેસડાઓ છે જ્યાં આજે પણ વીજળી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. વન વિભાગના કડક કાયદાઓ આ લોકોના વિકાસને અવરોધ રૂપ બને છે. જ્યારે બીજી તરફ વિકાસના નામે રિસોર્ટ અને હોટેલોને મંજૂરી આપવામાં આવી રહી છે પરંતુ ખેડૂતોને વન વિભાગના નિયમો તળે ડામી દેવામાં આવે છે.
ADVERTISEMENT