વલસાડ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું ગઈકાલે મતદાન પૂર્ણ થયું. જોકે મતદાન બાદ કેટલીક જગ્યાએથી બોગસ વોટિંગ કે ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. વલસાડના ધરમપુરમાં પણ મતદાન બાદ EVMને બસમાં મૂક્યા બાદ ફરીથી શાળામાં પાછા લઈ જવાતા હોબાળો થયો હતો. જોકે બાદમાં આ અંગે જિલ્લા કલેક્ટરે ખુલાસો કર્યો હતો.
ADVERTISEMENT
EVMમાં છેડછાડનો આક્ષેપ કરાયો
ધરમપુરના કાકડકુવા ગામમાં મતદાન બાદ મોટો હોબાળો મચ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ EVM બસમાં મૂકાઈ ગયા હતા, પરંતુ બસમાંથી ફરી EVMને પાછા ઉતારીને સ્કૂલમાં લાવવામાં આવ્યા હતા. સાથે જ ગ્રામજનોએ ચૂંટણી એજન્ટો પર EVM સાથે છેડછાડ કરી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. જોકે વિવાદ વધતા EVMમાં છેડછાડના આક્ષેપો પર કલેક્ટરે ખુલાસો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે, EVMમાં કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. EVM સીલ કરવાનું રહી ગયું હોવાથી ફરી બસમાંથી ઉતારવામાં આવ્યા હતા. બીજી તરફ ગ્રામજનોનું ટોળું એકઠું થઈ જતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. જોકે કલેક્ટરની સમજાવટ બાદ મામલો માંડ થાળે પડ્યો હતો.
ચૂંટણી પંચને દિવસ દરમિયાન 104 જેટલી ફરિયાદો મળી
નોંધનીય છે કે, પ્રથમ તબક્કાના ચૂંટણી મતદાનમાં ચૂંટણી પંચને 104 જેટલી ફરિયાદો મળી હતી. 89 બેઠકોના મતદાન દરમિયાન 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા.દિવસ દરમ્યાન EVM અંગેની કુલ 18 ફરિયાદો મળી હતી. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં બિલકુલ નજીવા સમયમાં ઇવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચને 33 એલર્ટ્સ મળી હતી. જેમાં EVM અંગેના 17 એલર્ટ્સ, ચૂંટણી બહિષ્કારની 05, ટોળા અને હિંસા અંગેની 02, આદર્શ આચરસંહિતા ભંગની 02 તથા અન્ય 07 એલર્ટ્સ હતી.
ADVERTISEMENT