અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની જૈફ વયે નિધન થયું છે. અમદાવાદમાં આવેલી યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હીરાબાનું શુક્રવારે 30 ડિસેમ્બરે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગે એક ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ દેશ અને દુનિયાભરમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા ને શ્રદ્ધાંજલિ પાઠવવામા આવે છે. આ સાથે જ પાવાગઢ અને અંબાજી મંદિર ખાતે ભક્તો દ્વારા માતાજીની સમક્ષ શાંતિ પાઠ કરી પૂજ્ય હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા નું અવસાન થતાં દેશ ભરમાં શોકની લાગણી પ્રસરી છે. આ દરમિયાન અનેક રાજકીય અને સામાજીક આગેવાનોએ હીરા બા ને શ્રદ્ધાંજલિ પાઠવી છે ત્યારે શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે મંદિર પરિવાર અને માઈ ભક્તો દ્વારા તથા નવદુર્ગા માતાજી મંદિર ગબ્બર ખાતે મંદિરનાં મહંત અને માઈ ભક્તો દ્વારા માતાજીની સમક્ષ શાંતિ પાઠ કરી પૂજ્ય હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
હીરા બાએ કર્યા હતા માતાના દર્શન
વર્ષો પહેલા હીરાબા અંબાજી ખાતે આવતા હતા ત્યારે ગબ્બર નવદુર્ગા માતાજીના દર્શન કરતા હતા. અંબાજીમાં મોદી સમાજની પણ વાડી આવેલી છે જેમાં હીરાબાના પુત્ર ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે
પ્રદેશ ભાજપના વિવિધ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા નું અવસાન થતાં દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે રાખવામાં આવેલ ઉડિયા(ઓરિસ્સા) સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ આજે બંધ રાખવામાં આવ્યો છે.
મોરારી બાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું અવસાન થયું છે ત્યારે કથાકાર મોરારી બાપુએ તેમણે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે, યશસ્વી અને અમારા રાષ્ટ્રના રાષ્ટ્ર પુરુષ, આત્મીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી. જય સીયારામ. હમણાં પૂજ્ય હીરાબાના નિર્વાણ ના સમાચાર મળ્યા. આપના જેવા સપૂતને રાષ્ટ્ર અને દુનિયાની સેવા કરવા સમર્પિત કરનાર માતાની વિદાયથી કોને પીડાના થાય ? પૂજ્ય માના નિર્વાણ ને મારા પ્રણામ. એક સાધુ તરીકે હૃદયના ભીના ભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પુ છું. આપ સૌને અને પુરા પરિવારને મારી દિલસોજી પાઠવું છું. ધન્ય માતા,ધન્ય પુત્ર,ધન્ય પરિવાર!
(વિથ ઈનપુટ: શાર્દૂલ ગજ્જર, પંચમહાલ / શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT