મોહાલી: IPLની એક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 56 રનથી હરાવ્યું. મોહાલીમાં રમાયેલી મેચમાં લખનૌએ પાંચ વિકેટે 257 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 19.5 ઓવરમાં 201 રનમાં સમેટાઈ ગઈ હતી. લખનૌની ટીમની જીતનો હીરો માર્કસ સ્ટોઈનિસ રહ્યો, જેણે 72 રનની ઈનિંગ રમી. આ જીત સાથે લખનૌએ અગાઉની હારનો બદલો લઈ લીધો છે. આ પહેલા વર્તમાન સિઝનની 21મી મેચમાં બંને ટીમો વચ્ચે મેચ પણ રમાઈ હતી જેમાં પંજાબ કિંગ્સનો 2 વિકેટે વિજય થયો હતો.
ADVERTISEMENT
પંજાબ કિંગ્સની ઈનિંગ
258 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે ખરાબ શરૂઆત કરી અને ચાર ઓવરમાં જ તેના બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન શિખર ધવન માત્ર એક રન બનાવીને માર્કસ સ્ટોઈનિસના બોલ પર કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. બીજી તરફ નવીન ઉલ હક દ્વારા પ્રભસિમરન સિંહને આઉટ કરવામાં આવ્યો હતો. પંજાબ માટે અથર્વ તાઈડેએ 36 બોલમાં 66 રન બનાવ્યા હતા. જ્યારે સિકંદર રજાએ 22 બોલમાં 36 રન બનાવ્યા હતા. તો સેમ કરને 11 બોલમાં 21 અને જીતેશ શર્માએ 10 બોલમાં 24 રન બનાવ્યા હતા.
લખનૌ સુપર જાયન્ટ્સની ઇનિંગ્સ
લખનૌની શરૂઆત ઘણી સારી રહી હતી. કાયલ મેયર્સે બીજી ઓવરમાં અર્શદીપ સિંહને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ રાહુલ અને મેયર્સે મળીને ગુરનૂર બ્રારની ઓવરમાં 16 રન બનાવ્યા હતા. જો કે, કે.એલ રાહુલ તેની ઇનિંગ્સને વધુ લંબાવી શક્યો ન હતો અને કગિસો રબાડા દ્વારા આઉટ થયો હતો. રાહુલના આઉટ થયાના થોડા સમય બાદ મેયર્સે માત્ર 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. મેયર્સે 24 બોલમાં 54 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.
74 રનમાં બે વિકેટ પડી ગયા બાદ માર્કસ સ્ટોઈનિસ અને આયુષ બદોની વચ્ચે 89 રનની ભાગીદારી થઈ હતી. બદોનીએ માત્ર 24 બોલમાં 43 રન બનાવ્યા, જેમાં ત્રણ સિક્સર અને 3 ચોગ્ગા સામેલ હતા. બદોની 14મી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો હતો, પરંતુ માર્કસ સ્ટોઈનિસ સેટ થઈ ગયો હતો અને તેણે છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કર્યો હતો.
આ દરમિયાન સ્ટોઇનિસે નિકોલસ પૂરન સાથે ચોથી વિકેટ માટે માત્ર 29 બોલમાં 76 રનની ભાગીદારી કરી હતી. સ્ટોઇનિસે માત્ર 40 બોલમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરને માત્ર 19 બોલમાં 45 રન બનાવ્યા હતા. પુરને પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટે 257 રન બનાવ્યા હતા, જે IPLના ઈતિહાસમાં બીજો સર્વોચ્ચ સ્કોર હતો.
ADVERTISEMENT