Gujarat Election 2022: ભાજપનો ગઢ રહેલી મહેસાણાની બેઠક પર આ વખતે પાટીદારો કોની તરફ?

Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ આ વખતે પ્રચારમાં લાગી ગઈ છે. આ વખતે…

gujarattak
follow google news

Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ આ વખતે પ્રચારમાં લાગી ગઈ છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ જંપલાવી રહી છે. ત્યારે મહેણાસા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામતો જોવા મળશે. પાટીદાર અનામત આંદોલનના બીજ પણ મહેસાણામાં જ રોપાયા હતા. બીજી તરફ હાલમાં જ આમ આદમી પાર્ટી દ્વારા પણ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધની કાર્યવાહી પર પાટીદાર કાર્ડનો ઉપયોગ કરાયો હતો. ત્યારે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી મહેસાણા બેઠક પર આ વખતે ભાજપ, AAP તથા કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જામશે.

2017માં શું ગણીત હતું
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો મહેસાણા બેઠક પરથી ભાજપમાંથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોંગ્રેસના જીવાભાઈ પટેલને 7,137 વોટથી હરાવી વિજેતા થયા હતા. મહેસાણાની બેઠક 1990થી ભાજપનો ગઢ રહી છે. મહેસાણાની બેઠક પર કુલ 2,16,149 મતદારો છે, જેમાં 1,12,658 પુરુષ મતદારો અને 1,03,497 જેટલા મહિલા મતદારો છે.

મહેસાણા વિધાનસભા હાલ શા માટે ચર્ચામાં
તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો ભાજપ દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા. આ મામલે AAP દ્વારા સતત એમ કહેવામાં આવી રહ્યું હતું કે, ઈટાલિયા પાટીદાર છે એટલે તેમના વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા AAP દ્વારા પાટીદારોના મત મેળવવા માટે પાટીદાર કાર્ડ ફેંકવામાં આવ્યું હતું. મહેસાણાની બેઠક પર 22 ટકા પાટીદાર મતદારો છે.

અત્યાર સુધી કયા પક્ષનું પલડું રહ્યું ભારે
મહેસાણાની બેઠક પર અત્યાર સુધીના ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ તો વર્ષ 1990થી આ બેઠક પર સતત ભાજપની જીત થતી આવી છે. ભાજપ દ્વારા અહીંથી પટેલ ઉમેદવારને જ દર વર્ષે ટિકિટ આપવામાં આવે છે. વર્ષ 2012-2017માં નીતિન પટેલ, 2002થી 2007 સુધી અનિલકુમાર પટેલ, અને 1990થી સળંગ ત્રણ ટર્મ એટલે કે 1998 સુધી ખોડાભાઈ એન. પટેલ ભાજપમાંથી અહીં ચૂંટણી જીત્યા હતા. જ્યારે આ પહેલા 1972થી લઈને 1985 સુધીમાં કોંગ્રેસ પાસે આ બેઠક રહી હતી.

આ વખતે કોણ હોઇ શકે છે સંભવિત ઉમેદવાર
મહેસાણાની બેઠક પરથી ભાજપ આ વખતે નીતિન પટેલને ફરી ટિકિટ આપશે કે પછી ઉંમરના કારણે અન્ય કોઈ નવા ઉમેદવારને ટિકિટ આપશે તેના પર સૌ કોઈની ખાસ નજર રહેશે. બીજી તરફ કોંગ્રેસ વર્ષ 2012 તથા 2017 બંને વખતે નવા ઉમેદવારોને તક આપી હતી અને બંને ઉમેદવારોની હાર થઈ હતી. એવામાં ફરી કોઈ નવો ચહેરો લાવશે કે પછી જૂના જોગીને જ મેદાનમાં ઉતારશે તે ખાસ જોવાનું રહેશે. જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધની કાર્યવાહી પર પાટીદાર કાર્ડ ફેંક્યું હતું. ત્યારે આ બેઠક પરથી પણ કોઈ પાટીદાર ચહેરાને જ તક આપી શકે છે.

    follow whatsapp