પાટણમાં બે ભાઈઓ પર પોલીસની બર્બરતાથી ઠાકોર સમાજ લાલઘુમ, પાટણ બંધના એલાનની ચીમકી આપી

પાટણ: તાજેતરમાં પાટણ શહેરમાં ખાખીનો રોફ સામે આવ્યો હતો, જેમાં પ્રજાના રક્ષણ માટે શપથ લેનારા પોલીસકર્મીઓ દ્વારા જ બે ભાઈઓને કથિત રીતે ઢોર મારવામાં આવ્યો…

gujarattak
follow google news

પાટણ: તાજેતરમાં પાટણ શહેરમાં ખાખીનો રોફ સામે આવ્યો હતો, જેમાં પ્રજાના રક્ષણ માટે શપથ લેનારા પોલીસકર્મીઓ દ્વારા જ બે ભાઈઓને કથિત રીતે ઢોર મારવામાં આવ્યો હતો. બંને યુવકોને શરીર પર એટલી ગંભીર ઈજાઓ પહોંચી હતી કે તેમને 8 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા હતા. જેને લઈને હવે પોલીસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો આ ઘટનાને લઈને હવે એક થયા છે અને બંને યુવકોને ન્યાય મળે તેવી માગણી સાથે આજે રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

ઠાકોર સમાજે કરી ન્યાયની માગણી
પાટણમાં આજે ગાંધી બાગ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં પોલીસના હુમલામાં ઈજાગ્રસ્ત બે યુવકોને ન્યાય અપાવવાની માગણી કરવામાં આવી હતી. પાટણના 36 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમણે રેલી કાઢીને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને આરોપી પોલીસકર્મીઓને ફરજ પરથી મુક્ત કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. આ અંગે તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી અને ન્યાય ન મળવા પર આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની તથા પાટણ બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

શું હતો સમગ્ર મામલો?
પાટણમાં સરદાક કોમ્પલેક્ષમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા અરવિંદભાઈ રોજની જેમ દુકાન આગળ બેઠા હતા. આ દરમિયાન એક ગાડી તેમના દુકાનની આગળ પાર્ક થઈ, જેથી તેમણે ચાલકને ગાડી દુકાનથી થોડી આગળ પાર્ક કરવા કહ્યું હતું. જેમાં કાર ચાલકે રોફ જમાવતા પોતાનો ભાઈ LCBમાં હોવાનું કહી તેમને ફોન કરીને બોલાવ્યા હતા. જે બાદ બંને ભાઈઓને PCR વાનમાં બેસાડી LCB કચેરી લઈ જવામાં આવ્યા અને ત્યાં કથિત રીતે પાઈપ, ધોકા અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. પોલીસે એટલો માર માર્યો કે બંને ભાઈઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા.

(વિથ ઈનપુટ: વિપિન પ્રજાપતિ)

 

    follow whatsapp