અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સૂત્રો અને કેમ્પેઇનને લઈ મેદાને ઉતરતા હોય છે ત્યારે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપના આ ગુજરાત મેં બનાવ્યું કેમ્પેઇનને લઈ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે દેવાળિયું બનેલુ ગુજરાત તમે જ બનાવ્યું છે.
ADVERTISEMENT
ભાજપ પર કર્યા પ્રહાર
અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા પરેશ ધાનાણી પ્રહાર કરતાં કહ્યું કે, આપણુ ગુજરાત ગૌરવવંતુ ગુજરાત ,કુદતુ અને ઉછળતુ ગુજરાત, હસતુ ગુજરાત વિશ્વની ફલક પર અલગ અલગ ઓળખ ધરાવનાર ગુજરાત , આપણા સૌ ગુજરાતીઓના લોહી પરસેવાથી સિંચેલુ ગુજરાત છે. આ ગાંધી અને સરદારના ગુજરાતમાં સત્તાની એડીએ સંવિધાનને કચડનારા લોકો સત્તાના મદમાં ભાન ભૂલી અહંકારથી કહી રહ્યાં છે કે આ ગુજરાત મે બનાવ્યું. તો હું કહેવા માગુ છુ કે સાહેબ આ ગુજરાત તમે જ બનાવ્યુ છે. આ સરકારી નિશાળો બંધ કરી જ્ઞાનનો વેપાર કરતું ગુજરાત તમે જ બનાવ્યું છે.
આ ગુજરાત તમે જ બનાવ્યું
ધાનાણીએ કહ્યું કે, મુઠ્ઠીભર મિત્રોને માલામાલ અને ગરીબોને બેહાલ કરનાર ગુજરાત તમે જ બનાવ્યું છે. લાખો કરોડોનું કર્જ વધારીને હવે દેવાળિયું બનેલુ ગુજરાત તમે જ બનાવ્યું છે. સાહેબ મંદિરની મોકાણથી આ દિવાળીએ ઘરે ઘરે હોળી પ્રગટાવનારુ ગુજરાત તમે જ બનાવ્યું છે. દારુ અને ડ્રગ્સ માફિયાઓનું ગેટવે સમાન ગુજરાત તમે જ બનાવ્યું છે. ભણેલા ગણેલા ગરીબ યુવાનોને રોજગાર માટે રઝળાવતુ ગુજરાત તમે જ બનાવ્યું છે. તમે જ બનાવ્યું છે સાહેબ . તક્ષશિલાની આગમાં તરુણો ભૂંજાયા ત્યારે એક નિસરણી ગોતતું ગુજરાત તમે જ બનાવ્યું છે. કોરોનામાં દવા ઈંજેક્શનની કાળા બજારી કરતું ગુજરાત તમે જ બનાવ્યું છે સાહેબ તમે જ બનાવ્યું છે. ઓક્સિજનના બાટલા માટે કોરોનામાં ટળવતુ ગુજરાત તમે જ બનાવ્યું છે. કોરોનામાં સારવારના અભાવે રઝળી મરતુ ગુજરાત તમે જ બનાવ્યું છે. કોરોનામાં મહાણે લાંબી લાઈન લગાવતુ ગુજરાત તમે જ બનાવ્યુ છે. આ મોરબીના ઝૂલતા પૂલેથી મત મેળવવાની લ્હાયમાં ઉતાવળે મોતનો દરવાજો ખોલવનારુ ગુજરાત ઈ તમે જ બનાવ્યું છે.
ADVERTISEMENT