અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દિલ્હીથી એકબાજુ દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પોતપોતાની પાર્ટીના પ્રચારમાં લાગ્યા છે. બીજી તરફ સ્થાનિક ઉમેદવારો પણ પોતાની બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. પક્ષો દ્વારા રોજે રોજ સભાઓ અને રેલીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભાજપના ઉમેદવારનું એક વિવાદિત અને બફાટ કરતું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ 200 રૂપિયા થઈ જાય તો પણ વાંધો નથી એમ કહી રહ્યા છે.
ADVERTISEMENT
પબુભાએ જાહેર મંચ પરથી આપ્યું વિવાદિત નિવેદન
દ્વારકાની સીટ પરથી ભાજપના ઉમેદવાર એવા પબુભા માણેકનો એક વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. આ વીડિયોમાં પબુભા જાહેર મંચ પરથી એક વિવાદિત નિવેદન આપતા દેખાય છે. એક જાહેર સભામાં પબુભા લોકોને પૂછે છે, આપણા વડીલો પાસે મોબાઈલ ફોન હતા? મોટરસાયકલ હતા, ફોરવ્હીલ હતા? જે રીતે અમારા વડીલોના તમે લોહી ચૂસ્યું છે. સસ્તાઈ, સસ્તાઈ કરી છે, પણ અમને સસ્તાઈ નથી જોતી. અમને 200 રૂપિયાનું ડીઝલ જોઈએ, 250 રૂપિયાનું પેટ્રોલ જોઈએ અને લાખ રૂપિયામાં આવક જોઈએ. આ મોંઘવારી નથી ફુગાવો છે. અમને 200 રૂપિયાનું પેટ્રોલ પોસાશે.
નેતાજીને મોંઘવારી નથી નડતી
નોંધનીય છે કે, હાલમાં મોંઘવારી આસમાને પહોંચી છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ વધ્યા છે. એવામાં નેતાઓ મનફાવે તેમ બફાટ કરી રહ્યા છે, જાણે તેમને આ મોંઘવારીથી કોઈ ફરક જ નથી પડી રહ્યો એમ લાગી રહ્યું છે, પરંતુ હકીકતમાં ગરીબ અને મધ્યમ વર્ગ તેમાં પીડાઈ રહ્યો છે.
ADVERTISEMENT