PAAS નેતા અલ્પેશ કથિરીયા આવતીકાલે AAPમાં જોડાશે, આ પાટીદાર નેતાને પણ સાથે લઈ જશે

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ રોજે રોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ત્યારે PAASના નેતા અલ્પેશ કથિરીયા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલની હાજરીમાં…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ રોજે રોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ત્યારે PAASના નેતા અલ્પેશ કથિરીયા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલની હાજરીમાં જોડાશે. અલ્પેશ કથિરીયાની સાથે તેમના સાથી ધાર્મિક માલવિયા પણ AAPનો ખેસ ધારણ કરશે. અલ્પેશ કથિરીયાએ અગાઉ પોતે જ જણાવ્યું હતું કે તેમને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી તમામ દ્વારા તેમના પક્ષમાં જોડાવવા માટે આમંત્રણો મળી રહ્યા છે. ત્યારે હવે આખરે તેમણે AAP સાથે જોડાવવાનો નિર્ણય કર્યો છે.

અલ્પેશ કથિરીયા સાથે બીજું કોણ AAPમાં જોડાશે?
Gujarat Tak સાથેની ટેલિફોનિક વાતચીતમાં અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે તેઓ ગારીયાધારમાં આમ આદમી પાર્ટીમાં જોડાવવાના છે. તેમની સાથે ધાર્મિક માલવિયા જેઓ અલ્પેશના સાથી છે PAAS કન્વિનર પણ છે. તેઓ પણ AAPમાં જોડાશે. ધાર્મિક માલવિયાને પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટની ઓફર કરવામાં આવી હતી, જોકે તેમણે છેલ્લી ઘડી સુધી ચૂંટણી લડવા માટે ફોર્મ નહોતું ભર્યું. ત્યારે હવે તેમણે પણ AAPની વાટ પકડી છે.

અમરેલીના ગારીયાધારમાં કાલે કેજરીવાલની જનસભા
નોંધનીય છે કે, ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ કાલે અમરેલીના ગારીયાધારમાં સવારે જનસભાને સંબોધન કરવાના છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે. ત્યારે આ નેતાઓની હાજરીમાં જ અલ્પેશ કથિરીયા AAPનો ખેસ ધારણ કરી શકે છે. અલ્પેશ કથિરીયાના AAPમાં જવાથી તેનો ફાયદો ચોક્કસ પણે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને થઈ શકે છે. કારણ કે તેઓ પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે અને પાટીદાર સમાજમાં પણ સારી એવી ચાહના ધરાવે છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં તેમને આપમાંથી ટિકિટ મળશે કે કેમ?

    follow whatsapp