કૌશિક કાંઠેચા/કચ્છ: કચ્છમાં 10 વર્ષે બનેલો ભૂજોડી ઓવરબ્રિજ ઉદ્ધાટનના 3 મહિના સુધી પણ ન ટક્યો. ભૂજોડી ઓવરબ્રિજ બન્યાના માત્ર 3 મહિનામાં જ બ્રિજનો કેટલોક ભાગ તૂટી ગયો છે. જેને લઈને હવે ગુજરાત સરકારના GSRDC પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે.
ADVERTISEMENT
3 મહિનામાં જ ઓવરબ્રિજનો સ્ટ્રક્ચરલ જોઈન્ટનો ભાગ તૂટ્યો
ત્રણ મહિનામાં જ ઓવરબ્રિજના સ્ટ્રક્ચરલ જોઈન્ટનો ભાગ તૂટી ગયો છે, જેના કારણે ઓવરબ્રિજના એક બાજુના ભાગને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. બીજી તરફ ઓવર બ્રિજમાં ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે. એવામાં જો આગામી સમયમાં આ બ્રિજનું સમારકામ યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવનાઓ છે.
રૂ.75 કરોડના ખર્ચે બન્યો હતો બ્રિજ
કચ્છના ભૂજને જોડનારા મુખ્ય હાઈવે પર આ ઓવરબ્રિજ 75 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો હતો અને તેનું લોકાર્પણ પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય અને તત્કાલિન પરિવહન મંત્રીના હસ્તે થયું હતું. માત્ર ત્રણ મહિનામાં જ ઓવરબ્રિજનો એક ભાગ તૂટી જવાના કારણે હવે સ્થાનિક લોકો ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. આ મામલે તેઓ જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે.
લુણાવાડામાં પણ કરોડોના ખર્ચે બનેલા રોડ ધોવાઈ ગયા હતા
નોંધનીય છે કે, તાજેતરમાં જ લુણાવાડામાં પણ બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. જેમાં છ માસ અગાઉ પૂર્વ રાજ્ય માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે વિશ્વ બેન્ક યોજના હેઠળ બનેલા હાઇ લેવલ પુલનું લોકાર્પણ 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીથી બનેલો પુલ 100 વર્ષનું આયુષ્ય ધરાવે છે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે નવાઈની વાત એ છે કે પ્રથમ ચોમાસામાં જ આ પુલ અને રોડને જોડતો એપ્રોચ રોડ અનેકવાર ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
ADVERTISEMENT