અમદાવાદ: મોરબીમાં ગઈકાલે રવિવારે ઝુલતો બ્રિજ તૂટી પડતા 133 જેટલા લોકોના મોત નિપજ્યા. આ કરુણ ઘટનાથી રાજ્યભરમાં શોકનો માહોલ છે. આ ધ્રુજારી છોડાવનારી ઘટનામાં લાલચુ એજન્સીની પોલ ખુલતી દેખાઈ રહી છે. બ્રિજનો કોન્ટ્રાક્ટ મેળવનારી ઓરેવા ગ્રુપ દ્વારા કોન્ટ્રાક્ટ કરતા પણ વધુ પૈસા ટિકિટના નામે વસૂલવામાં આવી રહ્યા હતા.
ADVERTISEMENT
મોરબી નગર પાલિકા અને ઓરેવા ગ્રુપ વચ્ચે શું કરાર હતો?
Gujarat Tak પાસે ઓરેવા ગ્રુપ અને મોરબી નગરપાલિકા વચ્ચે થયેલા કરારની એક્સક્લુઝિવ કોપી છે. જેમાં કંપનીને માર્ચ 2022થી માર્ચ 2037 એમ 15 વર્ષ માટે પુલનો કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર મુજબ કંપનીને પ્રથમ વર્ષે એટલે કે 2022-23 દરમિયાન 12 વર્ષથી મોટી ઉંમરના લોકો પાસેથી માત્ર રૂ.15નો ટિકિટ દર વસૂલવાની મંજૂરી અપાઈ હતી. આવી જ રીતે 12 વર્ષથી નાના બાળકોનો ટિકિટ ચાર્જ પણ રૂ.10 નક્કી કરાયો હતો. પરંતુ લાલચુ કંપની મંજૂર રેટથી વધુ ભાવે એટલે કે 17 અને 12 રૂપિયા ટિકિટનો ચાર્જ વસૂલ કરી રહી હતી.
15 વર્ષનો કરાર કરાયો હતો
મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપ વચ્ચે થયેલા એગ્રીમેન્ટ મુજબ, આ સમય દરમિયાન ઝુલતતા પુલની આવક-ખર્ચ ઓરેવાના હિસ્સામાં રહેશે. તેમજ તમામ એડમીનીસ્ટ્રેટીવ કાર્યો જેમ કે સ્ટાફ એપોઈમેન્ટ, સફાઈ, ટિકિટ બુકિંગ, મેઈન્ટનન્સ, કલેક્શન, ખર્ચના હિસાબો વગેરે કામ ઓરેવા ગ્રુપ સંભાળશે. ઉપરાંત સરકારી, બીનસરકારી, નગરપાલિકા, કોર્પોરેશન કે અન્ય કોઈપણ એજન્સીનો ઓરેવા ગ્રુપની કામગીરીમાં હસ્તક્ષેપ રહેશે નહીં.
કંપનીને લોકોને લૂંટવામાં જ રસ હતો?
લાલચુ કંપની દ્વારા લોકો પાસેથી મંજૂર એગ્રીમેન્ટ કરતા વધુ ચાર્જ લેવાતો હતો, પરંતુ સુરક્ષાના નામે મીંડું આપવામાં આવ્યું. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કંપનીએ નફો રળવા માટે ખોટી રીતે લોકોને લૂંટ્યા. બીજી તરફ બ્રિજ પર 100 લોકોની જ કેપેસિટી હતી, છતાં 500 જેટલો લોકોને ટિકિટ આપી હોવાના આક્ષેપ પણ કંપની પર લાગી રહ્યા છે.
ADVERTISEMENT