મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપ મૃતકોના પરિજનોને આટલા લાખ આપવા તૈયાર, હાઈકોર્ટ રકમથી અસંતુષ્ટ

અમદાવાદ: મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર સામે વળતરને લઈને પીડિત પરિવારો દ્વારા નારાજગી…

gujarattak
follow google news

અમદાવાદ: મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર સામે વળતરને લઈને પીડિત પરિવારો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે સરકારે તેમને યોગ્ય વળતર ચૂકવ્યું નથી. બીજી તરફ ઓરેવા ગ્રુપની પણ કેટલું વળતર ચૂકવવા માટે તૈયારી છે તેવો સવાલ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યો હતો.

સરકાર 45 ટકા તો ઓરેવાએ 55 ટકા લેકે વળતર ચૂકવવાનું થાય
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, 25 વર્ષ પહેલા ભોપાલ દુર્ઘટનામાં પણ વ્યક્તિ દીઠ રૂ.50 લાખ વળતર ચૂકવાયું હતું, તો આટલા વર્ષો પછી સરકાર 10 લાખ ચૂકવે તે યોગ્ય નથી. ઓરેવા કંપનીએ પણ વળતર ચૂકવવું પડે. સરકારે 45 ટકા મુજબ 10 લાખ વળતર ચૂકવવાનું નક્કી કર્યું છે તો ઓરેવાએ 55 ટકા વળતર લેખે કેટલી રકમ ચૂકવવાની થાય?

ઓરેવા ગ્રુપે કેટલું વળતર ચૂકવવા તૈયારી દર્શાવી?
હાઈકોર્ટમાં ખંડપીઠ દ્વારા ઓરેવા ગ્રુપને પણ તેઓ કેટલું વળતર ચૂકવવા માગે છે તેમ સવાલ કર્યો હતો. ત્યારે કંપની દ્વારા એડહોક પર વ્યક્તિદીઠ રૂ.3 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.1 લાખ વળતર ચૂકવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જોકે હાઈકોર્ટને આટલી ઓછી રકમથી સંતુષ્ટી થઈ નહોતી. આ માટે આજે ઓરેવા ગ્રુપની વળતરની રકમ નક્કી કરવા છેલ્લી તક આપવામાં આવી છે.

SIT રિપોર્ટમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા
નોંધનીય છે કે, તાજેતરમાં જ હાઈકોર્ટમાં SITનો રજૂ કરાયેલો રિપોર્ટ સામે આવ્યો હતો. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખે સમાધાનના મુદ્દાને યોગ્ય રીતે લીધો ન હોવાનો ખુલાસો થયો હતો. સક્ષમ ટેકનિકલ નિષ્ણાંત સાથે પરામર્શ વિના સમારકામ કરવામાં આવ્યું હતું. સમારકામ કાર્ય શરૂ કરતા પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની તપાસ કરવામાં આવી નહોતી. 49 માંથી 22 કેબલ પહેલેથી જ તોડી નંખાયા હતા. જેના અનુસાર આ કેબલ બ્રિજ તૂટી પડ્યો તે અગાઉ જ કેટલાક તાર કપાઈ ગયા હતા. જ્યારે અકસ્માત બન્યો ત્યારે બીજા બાકી રહેલા 27 તાર તુટી ગયા અને સમગ્ર પુલ તુટી પડ્યો હતો.

 

    follow whatsapp