વલસાડ: રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. તેમાં પણ એક તરફી પ્રેમમાં હત્યાની કરુણ ઘટનાઓ ખૂબ આઘાતજનક છે. તાજેતરમાં જ સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડના બનાવે સૌ કોઈને હચમચાવી નાખ્યા હતા, ત્યારે વલસાડમાં પણ આ જ રીતે વધુ એક ‘ગ્રીષ્મા’ની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. ટ્યુશનથી ઘરે જતી યુવતીને યુવકે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી.
ADVERTISEMENT
ટ્યુશનથી ઘરે જતી યુવતીની યુવકે હત્યા કરી
વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલી ચિત્રકૂટ વિસ્તારમાં રહેતી હેમા યાદવ નામની યુવતી ગુરુવારે બપોરે ટ્યુશનેથી પરત ફરી રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ બાઈક પર બે મિત્રો સાથે આવેલા પંકજ નામના યુવકે તેનું ટુ-વ્હીલર ઊભું રખાવ્યું અને તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી હેમાને હોસ્પિટલ ખસેડાઈ હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હુમલા બાદ ત્રણેય યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આરોપી યુવક વારંવાર યુવતીને હેરાન કરતો
વિગતો મુજબ, પંકજ હેમાના પાડોશમાં જ રહેતો હતો અને એક તરફી પ્રેમમાં પાગલ હતો. તે અગાઉ પણ ઘણીવાર હેમાને પરેશાન કરી ચૂક્યો હતો. આ વાતની જાણ હેમાના પરિવારજનોને પણ હતી. જે મામલે પંકજને ટકોર પણ કરવામાં આવી હતી. જોકે ગુરુવારે તેણે ટ્યુશનથી ઘરે એકલી જતા હેમાનો પીછો કરી રસ્તામાં જ તેનો જીવ લઈ લીધો.
ADVERTISEMENT