સુરત: સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ. પાંડેસરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કિશોરીના ચહેરા પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે સદનસીબે કિશોરીએ મોઢું ફેરવી લેતા તેનું ગળું કપાતા બચી ગયું હતું, જોકે તેના ગાલ પર છરી વાગી હતી. એવામાં ઈજાગ્રસ્ત કિશોરીને સારવાર માટે હોસ્પિલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેના ગાલ પર 17 ટાંકા આવ્યા હતા.
ADVERTISEMENT
રૂમમાંથી બાથરૂમમાં જતી કિશોરીને પકડી છરી મારી
પાંડેસરાની એક સોસાયટીમાં રહેતી આઠમા ધોરણની 14 વર્ષીય કિશોરીને એક યુવક છેલ્લા સમયથી પરેશાન કરતો હતો. કિશોરીએ આ બાબતે પરિવારને પણ જાણ કરી હતી. હુમલાના દિવસે કિશોરી તેના રૂમમાંથી બાથરૂમમાં જઈ રહી હતી. આ દરમિયાન જ ઘરની બહાર ઊભેલો યુવક તેને જોઈ જતા તેને પકડી લીધી અને ‘તારું કોની સાથે લફરું’ ચાલે છે તેમ કહીને કિશોરીના ગળા પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે કિશોરીએ ગળું ગરદન હટાવી લેતા છરી તેના ગાલ પર વાગી હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેના ગાલ પર 17 જેટલા ટાંકા આવ્યા હતા.
અગાઉ બેથી ત્રણ વખત છેડતી કરી હતી
આરોપી ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ આરોપીના ભાઈને પકડી લાવીને પૂછપરછ હાથ ધરી હતી. આરોપી યુવક કિશોરીને સંબંધ રાખવામાટે દબાણ કરતો હતો અને તેનો પીછો કરતો હતો. કિશોરીની સામેના ઘરમાં સંબંધીના ત્યાં તે અવારનવાર આવતો હતો અને કિશોરી સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. તેણે બે-ત્રણ વખત કિશોરીની છેડતી પણ કરી હતી. જોકે પરિવારને થોડો પણ અંદાજ નહોતો કે આરોપી આ રીતે છોકરી પર જીવલેણ હુમલો કરી દેશે.
ADVERTISEMENT