વલસાડ: ગુજરાતમાં એક બાદ એક છાશવારે પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યાની ઘટના બની હતી, જેના કારણે રાજકીય ઉહાપોહ મચ્યો હતો. ત્યારે હવે વલસાડના પારડીમાં ધોરણ 12નું પેપર ફૂટ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. કેમિસ્ટ્રીની ચાલુ પરીક્ષાએ પેપર ફૂટ્યાની ઘટના સામે આવતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
ADVERTISEMENT
ચાલુ પેપરે વિદ્યાર્થિની પાસેથી જવાબો લખેલી કાપલી મળી
વલસાડના પારડીમાં શુક્રવારે ધી પારડી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત DCO સાર્વજનિક સ્કૂલમાં સત્રાંત પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 12ના કેમેસ્ટ્રીની પરીક્ષામાં ચાલુ પેપરે વિદ્યાર્થિની પાસે જવાબ લખેલી કાપલી મલી આવી હતી. જેને લઈને પેપર ફૂટ્યાની ફરિયાદો ઉઠી હતી. જોત જોતામાં મામલો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયુવેગે સમગ્ર જિલ્લામાં ફેલાઈ જતા ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
સ્કૂલે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી ફરિયાદ
આ સમગ્ર મામલે પરીક્ષાના સુપરવાઈઝરે સ્કૂલના પ્રિન્સિપાલને જાણ કરી હતી. જે બાદ પ્રિન્સિપાલે જિલ્લા શિક્ષણ અધિકારીએને સમગ્ર મામલે જાણ કરી હતી. જેથી અધિકારીઓ સ્કૂલમાં દોડી આવ્યા હતા. તેમણે વિદ્યાર્થિની પાસેથી મળેલી કાપલી અને પેપરમાં રહેલા સવાલના જવાબોની ચકાસણી હાથ ધરી હતી.
અગાઉ BBA-B.Comનું પેપર ફૂટ્યું હતું
નોંધનીય છે કે, તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA તથા B.Comની પરીક્ષામાં પેપર લીક થવાનો મામલો સામે આવ્યો હતો. જોકે આ દરમિયાન BBAનું પેપર લીક થઈ જતા રાતો રાત યુનિવર્સિટીએ તેને બદલી નાખ્યું હતું. પરંતુ B.COMની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારે વધુ એક પેપર ફૂટવાની ઘટના બનતા આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT