અમદાવાદઃ ભારતના સ્ટાર ક્રિકેટર રિષભ પંતનો ગંભીર અકસ્માત થયો છે. એટલું જ નહીં તેની ગાડીમાં આગ પણ લાગી ગઈ હતી. જોકે સદનસીબે રિષભ પંતનો જીવ બચી ગયો છે પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ક્રિકેટ જગતમાં શોક પ્રસરી ગયો છે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે રિષભ પંત ક્યારે કમબેક કરશે. રિકવરીમાં કેટલો સમય લાગશે એની પણ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. તો ચલો આપણે એવા જ કેટલાક સ્ટાર ક્રિકેટર્સ વિશે જાણીએ જેઓ ગંભીર દુર્ઘટનાના સંઘર્ષથી પસાર થયા હોય.
ADVERTISEMENT
રિષભ પંતના અકસ્માતથી ક્રિકેટ જગત ચિંતિત
ક્રિકેટર રિષભ પંતનો ગંભીર અકસ્માત થયો છે. દિલ્હી-દેહરાદૂન હાઈવે પર પંતની ગાડી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. તેને માથામાં કટ પડ્યા છે અને પીઠ તથા પગમાં પણ ઈજા પહોંચી છે. પરંતુ અત્યારે તેની સ્થિતિ સ્થિર જણાવાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિષભ પંતની ગાડીમાં ત્રણથી ચાર લાખ રૂપિયા રોકડા હતા. જે અકસ્માત પછી રસ્તા પર વિખેરાઈ ગયા હતા. આ દરમિયાન અટકળો એવી વહેતી થઈ છે કે કેટલાક લોકોએ પંતને મદદ કરવા કરતા આ રૂપિયા લૂંટવા લાગ્યા હતા.
મોહમ્મદ શમીનો ગંભીર અકસ્માત, રિકવરી અને કમબેક..
માર્ચ 2018 માં, શમી દેહરાદૂનથી નવી દિલ્હી જતી વખતે કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. તેને માથામાં નાની ઈજાઓ અને જમણી આંખના ઉપરના ભાગે કેટલાક ટાંકા આવ્યા હતા. તેની કારનો આગળનો ભાગ અને જમણી બાજુના ભાગનો ચૂરો બોલી ગયો હતો. આ અકસ્માત એ સમયે થયો જ્યારે શમીનો તેની પત્ની હસીન જહાં સાથે વિવાદ ચાલી રહ્યો હતો. જોકે ત્યારપછી શમીએ શાનદાર રિકવરી કરી અને ક્રિકેટમાં કમબેક કર્યું હતું.
કરુણ નાયર દુર્ઘટનાગ્રસ્ત થયો હતો..
જુલાઈ 2016માં તે કેરળમાં રજાઓ ગાળી રહ્યો હતો . કરુણ તેના સંબંધીઓ સાથે પંબા નદી પાર કરતી હોડીમાં અરનમુલાલા મંદિર જઈ રહ્યો હતો. પરંતુ બોટને અકસ્માત નડ્યો અને કરુણ નાયરને થોડે દૂર સુધી તરવું પડ્યું હતું. જોકે પછી ગ્રામજનોએ તેને બચાવી લીધો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે આ દુર્ઘટનામાં તેના સંબંધીઓ સહિત અનેક લોકોનાં મોત નોંધાયા હતા.
નિકોલસ પૂરન ગંભીરરૂપે ઈજાગ્રસ્ત
નિકોલસ પૂરનને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે. જાન્યુઆરી 2015માં, પૂરનને ત્રિનિદાદમાં માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી. તેને ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેના પગની બે સર્જરી કરવી પડી હતી. ત્યારે તે 19 વર્ષનો હતો. તેને અકસ્માતમાં તેના પગની ઘૂંટી અને તેના ડાબા પગના ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી.
ADVERTISEMENT