‘ગઝવા-એ-હિંદ’ મોડ્યુલ કેસમાં NIAની મોટી કાર્યવાહીઃ ગુજરાત-UP સહિત અનેક રાજ્યોમાં દરોડા, મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ જપ્ત

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આ દરમિયાન અનેક વાંધાજનક ડોક્યુમેન્ટ્સ અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા…

gujarattak
follow google news

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આ દરમિયાન અનેક વાંધાજનક ડોક્યુમેન્ટ્સ અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. NIAના દરોડામાં તે શકમંદોના પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથેના સંબંધો વિશે પણ માહિતી મળી છે, જેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેઓ શંકાસ્પદ સંચાલકોના સંપર્કમાં હતા અને ગઝવા-એ-હિંદની કટ્ટરપંથી, ભારત વિરોધી વિચારધારાનો પ્રચાર કરવામાં સામેલ હતા.

અનેક રાજ્યોમાં દરોડા

મળતી માહિતી અનુસાર, આ દરોડા મધ્યપ્રદેશના દેવાસ, ગુજરાતના ગીર-સોમનાથ, ઉત્તર પ્રદેશના આઝમગઢ અને કેરળના કોઝિકોડમાં શકમંદોના ઠેકાણાઓ પર પાડવામાં આવ્યા હતા. NIAના ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોન અને સિમ કાર્ડ ઉપરાંત ઘણા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેને સામાન્ય રીતે ગઝવા-એ-હિંદ કેસ, પટના તરીકે ઓળખવામાં આવે છે.

2022માં નોંધવામાં આવ્યો હતો કેસ

આ કેસ અગાઉ 14 જુલાઈ, 2022ના રોજ બિહારના પટના જિલ્લામાં ફુલવારીશરીફ પોલીસ દ્વારા મારગૂબ અહેમદ દાનિશ ઉર્ફે તાહિરની ધરપકડ બાદ નોંધવામાં આવ્યો હતો. તાહિર વોટ્સએપ ગ્રુપ ‘ગઝવા-એ-હિંદ’નો એડમન હતો, જેને ઝૈન નામના પાકિસ્તાની નાગરિકે બનાવ્યું હતું.

યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો ઉદ્દેશ્ય

આરોપી તાહિરે ભારતની સાથે-સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યમન સહિતના અન્ય દેશોના ઘણા લોકોને આ વોટ્સએપ ગ્રુમાં એડ કર્યા હતા, જેઓ ટેલિગ્રામ અને BiP મેસેન્જર જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એક્ટિવ હતા. NIAની તપાસ મુજબ, ભારતમાં ગઝવા-એ-હિંદની સ્થાપનાના નામે પ્રભાવશાળી યુવાનોને કટ્ટરપંથી બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાકિસ્તાન સ્થિત શંકાસ્પદો લોકો દ્વારા વોટ્સએપ ગ્રુપનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું.

વોટ્સએપ પર બનાવ્યું હતું ગ્રુપ

NIAની તપાસ મુજબ, આરોપી તાહિર સમગ્ર ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સ્લીપર સેલ ઉભા કરવાના ઉદ્દેશ્ય સાથે ગ્રુપના સભ્યોને પ્રેરિત કરતો હતો. આ સિવાય આરોપીએ ‘BDGhazwa E HindBD’ નામથી બીજું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેમાં તેણે બાંગ્લાદેશી નાગરિકોને એડ કર્યા હતા.

22 જુલાઈ 2022થી તપાસ કરી રહી છે NIA

એનઆઈએ 22 જુલાઈ, 2022થી આ કેસની તપાસ કરી રહી છે, જ્યારે તેણે તપાસ હાથમાં લીધી હતી. ત્યારે આંતકવાદી વિરોધી એજન્સીએ 6 જાન્યુઆરી, 2023ના રોજ આરોપી મારગૂબ અહેમદ દાનિશ ઉર્ફે તાહિર સામે આઈપીસીની કલમ 121, 121એ, 122 અને યુએપીએની કલમ 13 હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપી મારગૂબ અહેમદ દાનિશ વિરુદ્ધ કલમ 18, 18બી અને 20 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

 

    follow whatsapp