વડોદરા: રવિવારે યોજાનારી પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષાનું ફરી વખત પેપર ફૂટતા લાખો ઉમેદવારોના સરકારી નોકરી મળવવાનું સપનું રોળાઈ ગયું. ત્યારે પેપરકાંડમાં ગુજરાત ATS તપાસ કરી રહી છે અને 15 આરોપીઓને પકડીને આજે વડોદરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વધુ જાણકારી મેળવવા 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેની સામે કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે જ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે.
ADVERTISEMENT
પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીતે ચોરી કર્યું પેપર
વિગતો મુજબ, હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીત નાયક નામના આરોપીએ પેપર ચોરીને પોતાના સંબંધી પ્રદીપ નાયકને આપ્યું હતું. આ માટે તેણે 5 લાખ મળવાના હતા અને એડવાન્સમાં રૂ.30 હજાર ચૂકવાયા હતા. જીત અને પ્રદીપ બંને આ પેપર 12 લાખ સુધીમાં વેચવાના હતા. જ્યારે વચેટીયાઓને રૂ.15 લાખ સુધી ચૂકવવાના હતા. આ રીતની આખી ચેન ચાલતી હતી. સમગ્ર પેપર ચોરી કરીને તેને લીક કરવાનું કૌભાંડ 20 દિવસ પહેલા ઘડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પેશાવરમાં નમાજ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટ, 30 ના મોત અને કાટમાળમાં દટાયા
આરોપી જીતને મેડિકલ તપાસ માટે મોકલાયો
નોંધનીય છે કે, પેપરકાંડમા મુખ્ય આરોપી જીત નાયકને આજે સવારે જ હૈદરાબાદથી ગુજરાત ATSની ટીમ લાવી હતી. જે બાદ તેની ધરપકડ કરીને હાલમાં આરોપી જીતને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યું છે. ATSની ટીમ દ્વારા હજુ પણ આરોપીની પૂછપરછમાં વધુ કેટલાક મોટા ખુલાસાઓ થઈ શકે છે.
9.53 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા
ખાસ વાત છે કે, રવિવારે રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર 1181 ખાલી જગ્યાઓ માટે 9.53 લાખથી પણ વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. જોકે પરીક્ષાના દિવસે જ વહેલી સવારે સરકાર દ્વારા પેપર લીક થયું હોવાની માહિતી આપતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાદ લાખો ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. વર્ષ 2018થી ચાલી રહેલી આ ભરતી પાંચ વર્ષે પણ પૂરી ન થઈ શક્તા ઉમેદવારોએ બળાપો કાઢ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT