અમદાવાદ: ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટ BF.7 એ કહેર મચાવ્યો છે. એક સંક્રમિત દર્દીથી 10થી 18 લોકોમાં ફેલાતા આ કોરોના વેરિએન્ટથી દુનિયાભરમાં અચાનક ફરીથી કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના આ નવા વેરિયન્ટના બે કેસો નોંધાયા હોવાનું ગઈકાલે સામે આવ્યું હતું. જેમાં વડોદરાના સુભાનપુરામાં NRI મહિલાને કોન્ટેક્ટ ટ્રેસિંગ આવતા આ કેસ સામે આવ્યો હતો. બીજી તરફ અમદાવાદના સોલામાં 57 વર્ષના પુરુષમાં કોરોનાનો આ નવો વેરિયન્ટ હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
વડોદરાના દર્દીને સપ્ટેમ્બરમાં થયો હતો કોરોના
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વડોદરામાં કોરોનાથી સંક્રમિત આવેલા NRI મહિલાનો રિપોર્ટ સપ્ટેમ્બર મહિનામાં જ પોઝિટિવ આવ્યો હતો, તેમના રિપોર્ટને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાતા તેમાં BF.7 વેરિયન્ટ હોવાનું સામે આવ્યું હતું. જોકે ખાસ વાત એ છે કે આ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. દર્દીએ પણ હોમ આઈસોલેશનમાં જ સારવાર લીધી હતી અને તેમને કોઈ ગંભીર તકલીફ નહોતી જણાઈ.
અમદાવાદમાં નવેમ્બરમાં દર્દીને કોરોના થયો
જ્યારે અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીની વાત કરવામાં આવે તો સોલા વિસ્તારમાં રહેતા વ્યક્તિને નવેમ્બર મહિનામાં કોરોના થયો હતો, તેમના રિપોર્ટને પણ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયા હતા, જેમાં BF.7 વેરિયન્ટ હોવાનું માલુમ પડ્યું હતું. હાલમાં દર્દીની હાલત સ્થિર છે અને તેઓ ઓસ્ટ્રેલિયા પરત જતા રહ્યા છે.
કોરોનાના BF.7 વેરિયન્ટથી કેમ સાવચેત રહેવું જરૂરી?
BF.7 એ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું જ એક સબ-વેરિયન્ટ છે. આ વેરિયન્ટ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાય છે. આ પહેલા ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો, જેમાં 1 સંક્રમિત વ્યક્તિથી 5થી 6 લોકોને ચેપ લાગતો હતો, પરંતુ BF.7 વેરિયન્ટની સંક્રમણ ક્ષમતા તેનાથી પણ ઘણી વધારે છે. રિસર્ચ મુજબ આ વેરિયન્ટથી એક સંક્રમિત દર્દીમાંથી 10થી 18 જેટલા લોકોમાં વાઈરલ ફેલાઈ શકે છે.
ADVERTISEMENT