રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષોમાં ઉમેદવારો વચ્ચે ટિકિટ માટે રસાકસી જામી છે. ત્યારે આજે NCPના મહિલા નેતા રેશ્મા પટેલ વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ભરશે. રેશ્મા પટેલ ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડશે અને આજે બપોરે 2.15 વાગ્યે ફોર્મ ભરશે. પાર્ટી દ્વારા તેમને ફોર્મ ભરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
2019માં માણાવદરથી પેટા ચૂંટણી લડ્યા હતા
રેશ્મા પટેલની વાત કરીએ તો આ પહેલા તેઓ 2019માં માણાવદર બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડ્યા હતા. જોકે તેમની કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા સામે હાર થઈ હતી, ત્યારે હવે તેઓ ગોંડલ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવશે.
2015માં પાટીદાર અનામત આંદોલન બાદ નેતા તરીકે સામે આવ્યા
રેશમા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામની વતની છે. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. આ સાથે તેમણે અમદાવાદ તથા જૂનાગઢમાં પણ કેટલીક નોકરીઓ કરી છે અને તેમણે મોડલિંગ પણ કરેલું છે. જોકે વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા તરીકે સામે આવ્યા હતા અને અને 2017માં ભાજપમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જોકે તેમને ભાજ સામે પણ વાંધો પડતા તેમણે છેડો ફાડી નાખ્યો હતો.
હાલમાં જ ગોંડલના યુવક સાથે સગાઈ કરી
નોંધનીય છે કે, NCPના નેતા રેશમા પટેલે ગોંડલના યુવક ચિંતન સોજીત્રા સાથે સગાઈ કરી લીધી છે. આ અંગે તેમણે ફેસબુર પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. સાથે જ તેમણે પોતાની રિંગ સેરેમનીના ફોટો તથા વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘મેં મારું લાસ્ટ નેમ ચેન્જ કરવાનો નિર્ણય લીધો છે. તે મારા જીવનમાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે. ચિંતન સોજીત્રા’. રેશમા પટેલે પોતાના ભાવિ જીવનસાથી સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં તેઓ અને ચિંતન સોજીત્રા એકબીજાને વિંટી પહેરાવી રહ્યા છે.
(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી)
ADVERTISEMENT