દર્શન ઠક્કર/જામનગર: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રાજકારણમાં પ્રવેશ કરી રહેલા રિવાબા જાડેજાની મુશ્કેલી વધી છે. જામનગર ઉત્તર બેઠકથી ભાજપ તરફથી ઉમેદવાર રિવાબા જાડેજા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા રિવાબાના નણંદ નયનાબા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ભાભી પર ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
રિવાબા વિરુદ્ધ ચૂંટણી પંચમાં નોંધાઈ ફરિયાદ
નયનાબા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રિવાબા જાડેજા ચૂંટણી પ્રચારમાં નાના ભૂલકાઓનો ઉપયોગ કરે છે. તેમની રેલીમાં 10 જેટલા નાના ભૂલકોને લઈ જાય છે. ભૂલકાઓનો ઉપયોગ કરીને રિવાબા સહાનુભૂતિ મેળવવા માંગે છે. આ બાબત એક રીતે બાળમજૂરી જ કહેવાય. કોંગ્રેસના હોદ્દેદાર સુભાષ ગુજરાતીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. બાળકોના વાલીઓએ ફરિયાદ કરી છે કે, તેમને જાણ કર્યા વિના જ બાળકોને આ રીતે પોતાની સાથે ચૂંટણી પ્રચારમાં લઈ જાય છે.
રવિન્દ્ર જાડેજાના નામે પબ્લિસિટી મેળવે છે રિવાબા!
સાથે જ નયનાબાએ રિવાબાના ઉમેદવારી ફોર્મ પર કહ્યું કે, રિવાબા જાડેજા કયા હકથી જામનગરના લોકોના મત માગે છે? રિવાબા રાજકોટ પશ્ચિમના મતદાર છે, તેમણે ત્યાં ચૂંટણી લડવી જોઈએ. જામનગર ઉત્તર બેઠક ઉપરથી રિવાબા આયાતી ઉમેદવાર છે. તેમણે પોતાના ફોર્મમાં નામ પણ રિવાસિંહ હરદેવસિંહ સોલંકી રાખ્યું છે. રવિન્દ્ર જાડેજાનું નામ પણ તેમણે બ્રેકેટમાં રાખ્યું છે. તેઓ જાડેજા અટકનો માત્ર ઉપયોગ કરવા માંગે છે, 6 વર્ષમાં અટક સુધારવાનો પણ સમય નથી મળ્યો.
ચૂંટણીમાં નણંદ અને ભાભી સામ સામે
નોંધનીય છે કે, ચૂંટણી પહેલા જ પહેલીવાર નયનાબા ખુલીને ભાભી રિવાબા જાડેજા સામે પ્રહારો કરતા જોવા મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરી રહેલા નયનાબા ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં રિવાબાએ તેમની વિરુદ્ધ અન્ય પક્ષ માટે લડી રહેલા નયનાબા વિશે કહ્યું હતું કે, આ પહેલીવાર નથી કે એક જ પરિવારમાંથી બે લોકો અલગ-અલગ વિચારધારા સાથે જોડાયેલા હોય. આ વિચારધારાની વાત છે. તેઓ કોઈ અલગ વિચારધારા, પાર્ટીથી પ્રભાવિત થઈને તેની સાથે જોડાયેલા છે. તેઓ તેમનું કામ કરે છે, અને હું ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને તેની સાથે જોડાયેલી છું, મારું કામ કરી રહી છું.
ADVERTISEMENT