રોનક જાની/ નવસારી: શહેરમાં માનવતાની તમામ હદ વટાવતી ઘટના બની છે. જેમાં પરિણીત યુવક અને યુવતીએ પ્રેમ સંબંધમાં જન્મેલા 1 માસના બાળકની હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. ગત 14મી જાન્યુઆરીના રોજ વાંસદા જૂજ ડેમના કેચમેન્ટ પરથી ગુટખાના થેલામાં પોલીસને એક માસના માસુમ બાળકની લાશ મળી આવી હતી. ત્યારે 1 મહિના બાદ પોલીસે લાશનો ભેદ ઉકેલી નાખ્યો છે અને બાળકના માતા અને પિતા જ તેના હત્યારા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પરિણીત મહિલા-પુરુષ એકબીજાના પ્રેમમાં હતા
ઘટનાની વિગતો મુજબ, વાંસદાના ખાટાઆંબા ગામમાં 3 સંતાનોના પિતા વિનોદની ધરમપુર તાલુકાના આસુરા ગામની સુલોચના નામની પરિણીતા સાથે ઓળખાણ હતી. સુલોચનાના મામાનું ઘર વાંસદાના ખાટાઆંબા ગામમાં હોવાથી તે ઘણીવાર ત્યાં આવતી. દરમિયાન તેની આંખ વિનોદ સાથે મળી ગઈ હતી. સુલોચનાને પતિ સાથે મનમેળ ન બેસતા તે 9 વર્ષના દીકરા સાથે અલગ રહેવા લાગી. જે બાદ વિનોદ સાથે તેની ઘણીવાર મુલાકાત થતી હતી. બંનેના સંબંધને પાંચ વર્ષ થઈ ગયા. બાદમાં તે સુરતના કરંજમાં રહેવા જતી રહી અને સુરત સિવિલમાં બાળકને જન્મ આપ્યો.
સમાજમાં બદનામીના ડરે 1 માસના માસુમની હત્યા કરી
જોકે બંને પ્રેમી પંખીડાએ બાળકના જન્મ બાદ સમાજમાં બદનામી ન થાય તે માટે તેનાથી છુટકારો મેળવવાનો ષડયંત્ર રચ્યું અને નક્કી કરેલી તારીખે વિનોદે ગુટકાનો થેલો ખરીદ્યો. તેમાં રમકડા સાથે 1 માસના દીકરાને મૂકી દીધો. શ્વાસ રૂંધાતા તેનું અંદર જ મોત થઈ ગયું બાદમાં દીકરા સાથેનો થેલો ડેમના કેચમેન્ટમાં ફેંકી દીધો હતો. 14મી જાન્યુઆરીએ પોલીસને આ થેલો મળતા તેમણે બાળકના માતા-પિતાની તપાસ આદરી હતી.
પોલીસે કેવી રીતે સોલ્વ કર્યો કેસ?
પોલીસે ખુદ પેમ્પલેટ છપાવી નવસારીની આજુબાજુના ગામડાઓમાં તેનું વિતરણ કર્યું. દરમિયાન પોલીસને એક કડી મળી અને કોઈ વ્યક્તિએ વિનોદના પ્રેમ પ્રકરણ વિશે પોલીસને જાણ કરી. બાદમાં પોલીસે ધીમે-ધીમે કરીને પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું અને બાદમાં વિનોદની પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવી. જેથી તે ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. વિનોદની કબૂલાત બાદ પોલીસે આરોપી માતા સુલોચનાની પણ ધરપકડ કરી લીધી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT