રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ તથા AAP મતદારોને પોતાની તરફ આકર્ષવા સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. હાલમાં ચાલી રહેલી નવરાત્રી દરમિયાન રાજકોટમાં આજે કોંગ્રેસની ‘ચલો કોંગ્રેસ કે સાથે મા કે દ્વારા’ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોંગ્રેસની આ યાત્રા બપોરે ખોડલધામ પહોંચી હતી, જ્યાં નરેશ પટેલ સાથે કોંગ્રેસના આગેવાનોની બેઠક પણ યોજાઈ હતી.
ADVERTISEMENT
‘કોંગ્રેસના ધારાસભ્યોએ આમંત્રણ આપ્યું હતું’
કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક બાદ નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે, ખોડલધામ અને ખોડિયાર માતા અઢારે વરણની માતાજી છે અહીં કોઈપણ દર્શન કરવા આવી શકે છે. એ ભાગ રૂપે કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસના લેઉઆ પટેલના ધારાસભ્યોએ મને આમંત્રણ આપ્યું હતું કે માના દર્શન કરવા યાત્રા રૂપે ત્યાંથી નીકળીએ છીએ તો તમે હાજર રહો. એટલે હું તેમના સ્વાગત માટે અહીં હાજર છું.
તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે આગેવાનો સાથે મારી ઓફિસમાં બેઠક ચાલતી હતી, તેમાં ફક્ત સામાજિક અને જૂની વાતો મિત્રતાની હોય તે જ થઈ છે. કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. જ્યારે રાજકીય ચર્ચાનો સમય આવશે ત્યારે હું આપને કહીશ. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, તમામ સમાજના લોકોને વસ્તી ગણતરી મુજબ ટિકિટ મેળવવાનો હક છે.
કોંગ્રેસની યાત્રા ઉમિયાધામ સુધી જશે
નોંધનીય છે કે, કોંગ્રેસની આ યાત્રાનું ઈન્દિરા સ્ટેચ્યુથી પ્રસ્થાન થયું હતું. જે બાદ તે સાપર, ગોંડલ, ગાઠીલા, જુનાગઢ સિટી, જેતપુર થઈને ખોડલધામ પહોંચી હતી. આ બાદ તે સિદસર ઉમિયાધામ પણ પહોંચશે અને ત્યાંથી યાત્રાનું વિસર્જન થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જોડાયા છે.
(વિથ ઈનપુટ: નિલેશ શિશાગિંયા)
ADVERTISEMENT