દાહોદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં દાહોદમાં તેમણે જંગી સભા સંબોધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે હું દાહોદમાં જ આદિવાસી પરિવારના રોટલા ખાઈ મોટો થયો છું. વળી કોંગ્રેસની સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તથા કોંગ્રેસના સમયમાં લોકો દેવામાં ડૂબી ગયા હોવાનો કિસ્સો પણ જણાવ્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસે ક્યારેય આદિવાસી રાષ્ટ્રપતિ નથી બનાવ્યા- PM મોદી
કોંગ્રેસે ક્યારેય કોઈ આદિવાસી રાષ્ટ્રપતિ નથી બનાવ્યા. ભાજપ જ એવી સરકાર છે જેમણે દેશમાં પહેલીવાર આદિવાસી રાષ્ટ્રપતિ બનાવ્યા છે. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે અત્યારે કેટલાક લોકો યાત્રા કરી રહ્યા છે. આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનતા હતા ત્યારે કેટલાક લોકોએ તેમને હરાવવા માટે એક ઉમેદવાર ઉભો રાખ્યો હતો.
હું આદિવાસી પરિવારના રોટલા ખાઈ મોટો થયો છું- વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે આદિવાસી પરિવારોના રોટલા ખાઈને હું મોટો થયો છું. દાહોદ તો મારા ઘર જેવું છે. તેથી જ દિલ્હી ગયો ત્યારે પણ દાહોદ મારા દિલમાં હતું. મેં દાહોદના સર્વાંગી વિકાસ માટે સતત યોજનાઓ અમલમાં મુકી છે અને આદિવાસી પરિવારને શૈક્ષણિક, સ્વાસ્થ્ય સંબંધી તમામ સુવિધાઓ અર્પણ કરી છે.
મેં તમામ વર્ગોને સાથે રાખી વિકાસ કર્યો -PM મોદી
વડાપ્રધાન મોદીએ જનતાના સંબોધન દરમિયાન વધુમાં કહ્યું કે મેં ડિજિટલ પેમેન્ટ સુધીના તમામ ક્ષેત્રે વિકાસ કર્યો છે. દાહોદના સર્વાંગી વિકાસની સાથે હું તમામ વર્ગોના લોકોને સાથે રાખીને ચાલુ છું. દરેક વર્ગને વિકસિત કરવાનો મારો લક્ષ્યાંક છે. ભાજપ સરકારે 108ની સુવિધા પહોંચાડી છે.
આ દરમિયાન ગ્રામજનોએ વિનંતી કરી હતી કે સાપ કરડે તો એની બચાવ અર્થે દવાઓ પણ 108માં રાખવી જોઈએ તો એની પણ વ્યવસ્થા અમે કરી છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ દાહોદનો સર્વાંગી વિકાસ થયો હોવાનું વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.
બધા જ પોલિંગ બૂથમાં વોટ કરજો- PM મોદી
દાહોદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું પહેલા તમામ બૂથો પર જેટલું મતદાન થયું છે એના કરતા પણ વધારે મતદાન કરવું જોઈએ. જનતાને કહ્યું કે મતદાનની ટકાવારી વધારવામાં બધાએ સાથ આપવાનો છે. આની સાથે તેમણે જનતાને કહ્યું કે દાહોદના દરેક વડીલને મારા પ્રણામ કહેજો. તેમના આશીર્વાદથી મને એટલી તાકાત મળે છે કે એનાથી કામ કરવાનો થાક જ નથી લાગતો.
ADVERTISEMENT