હેતાલી શાહ/નડિયાદ: સંતરામ મંદિરની પરંપરાના ભાગરૂપે દર વર્ષે મહાપૂર્ણિમાના અવસરે દિવ્ય સાકરવર્ષા પ્રતિકરૂપ કરવામાં આવે છે. મહાસુદ પૂનમે મંદિરના પરિસરમાં ઢળતી સંધ્યાએ પૂ. મહારાજના હસ્તે ઉતારવામાં આવતી દિવ્ય મહાઆરતીના દર્શન કરવા શહેર સહિત જીલ્લા તથા અન્ય જિલ્લાના ભાવિક ભક્તજનો સાથે એન.આર.આઈ ભક્તો પણ ઉમટી પડ્યા હતા. કોરોના બાદ એન.આર.આઈ. ભક્તો મંદિરમાં સાકર વર્ષાનો લ્હાવો લેવા પહોંચ્યા હતા. જેને લઈને તેઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાંજે આરતી બાદ ‘જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે મહારાજશ્રી તથા અન્ય શાખા મંદિરના મહંતોના હસ્તે દિવ્ય સાકરવર્ષા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
1500 કિલો સાકર અને 250 કિલો કોપરાની ઉછામણી કરાઈ
મહાપૂર્ણિમાના દિવસે વહેલી સવારે 4:30 કલાકે ધ્યાન, તિલક દર્શન 4:45 કલાક બાદ મંગળા દર્શન સવારે 5:45 કલાકે અને સાંજે 6 વાગ્યે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવી હતી. આ દિવ્ય સાકર વર્ષામાં 1500 કિલો સાકર અને 250 કિલો કોપરાની ઉછામણી કરવામાં આવતા મોટી સંખ્યામાં મંદિરમાં ઉપસ્થિત ભાવિક ભક્તો દ્વારા પ્રસાદીની સાકર મેળવી ધન્યતા અનુભવી હતી.
મંદિરમાં વર્ષે માત્ર 1 વાર થાય છે મહાઆરતી
મહત્વનુ છે કે, વર્ષમાં માત્ર એક જ વાર મંદિરમા મહાઆરતી કરવામાં આવે છે. અને પછી ઓમકારના નાદ સાથે સાકરવર્ષા કરાઈ હતી. આ સમયે હજારો ભાવિકો ભક્તો ઉમટી પડ્યા હતા. દરમ્યાન સમગ્ર મંદિર પરિસર “જય મહારાજ”ના જય ઘોષ સાથે ગૂંજી ઉઠયુ હતું. મંદિર પરિસરમાં ગોઠવાયેલા સ્વયંસેવકો દ્વારા સાકરની ઉછામણી કરવામાં આવી હતી અને ભકતો પ્રસાદ રૂપી સાકર તથા સુકા કોપરાનો પ્રસાદ જીલ્યો હતો.
192 વર્ષ પહેલા શરૂ થઈ હતી પરંપરા
આજથી બરાબર 192 વર્ષ પહેલાં આ દિવસે ભગવાન દત્તાત્રેય સ્વરૂપ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે મંદિર પરિસરમાં જીવતા સમાધિ લીધી હતી. લોકવાયકા પ્રમાણે તે સમયે ત્યાં મૂકેલા બે દીવા આપોઆપ પ્રજ્વલિત થઇ ઉઠ્યાં હતાં. તથા આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. તે દિવસથી આ દીવાની જ્યોત અંખડ સ્વરૂપે મંદિરમા પ્રજ્વલીત છે. તથા દર વર્ષે મહાસુદ પૂનમે પરંપરા મુજબ સાકરવર્ષા કરવામાં આવે છે. ભક્તો આ દિવસની એક વર્ષથી રાહ જોતા હોય છે. અને યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.
ADVERTISEMENT