MV Chem Pluto Attack : શનિવારે ભારત તરફ આવી રહેલા એક માલવાહક જહાજ પર ડ્રોન હુમલા થયો હતો જેને લઈને આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે, અમે પાતળામાંથી પણ આ હુમલો કરનારાઓને શોધીશું.
ADVERTISEMENT
રાજનાથ સિંહે આપી આક્રમક પ્રતિક્રિયા
આજે INS ઈમ્ફાલના કમિશનિંગ દરમિયાન રક્ષા મંત્રીએ કહ્યું કે, આજકાલ સમુદ્રમાં ઉથલપાથલ ખૂબ વધી ગઈ છે. ભારતની વધતી જતી આર્થિક અને વ્યૂહાત્મક શક્તિએ કેટલીક શક્તિઓને ઈર્ષ્યા અને દ્વેષથી ભરી દીધી છે. તાજેતરમાં અરબ સાગરમાં ‘એમવી કેમ પ્લુટો’ પર ડ્રોન હુમલો અને Red Seaમાં ‘એમવી સાંઈ બાબા’ પર થયેલા હુમલાને ભારત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે, ભારતીય નૌકાદળે દરિયામાં દેખરેખ વધારી દીધી છે. આ હુમલો કરનારાઓને અમે પાતાળ લોકોથી શોધી કાઢીશું અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું કે, ભારત સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રમાં (IOR) નેટ સુરક્ષા પ્રદાતાની ભૂમિકામાં છે. અમે દરિયાઈ વેપાર માટે સી લેન્સને સુરક્ષિત રાખવા માટે safe અને secure બનાવવા મિત્ર દેશો સાથે કામ કરીશું.
શું છે સમગ્ર મામલો
જણાવવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન હુમલો ગુજરાતના વેરાવળ તટથી 200 નોટિકલ માઈલના અંતરે કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજનું ઈઝરાયેલ સાથે કનેક્શન હતું અને તે ભારત આવી રહ્યું હતું. હુથિઓએ જાહેરાત કરી હતી કે તેઓ ઇઝરાયેલ સાથે જોડાયેલા કોઈપણ જહાજને નિશાન બનાવશે. હવે ભારતીય દરિયાકાંઠે ડ્રોન હુમલા બાદ આશંકા હુથિઓ તરફ જઈ રહી છે. આ હુમલાની હજુ તપાસ ચાલી રહી છે. આ જહાજને અત્યંત સાવધાની સાથે આગળની મુસાફરી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે.
હુમલા બાદ જહાજમાં આગ લાગી
ડ્રોન હુમલા બાદ ભારત આવતા જહાજમાં આગ લાગી હતી. આ પહેલા ઈઝરાયેલના હુમલાનો વિરોધ કરી રહેલા યમનના હુથી બળવાખોરોએ ભારત આવી રહેલા જહાજને હાઈજેક કરી લીધું હતું. આટલું જ નહીં, હુથીઓએ સમુદ્રમાં અનેક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેના કારણે અનેક જહાજોને નુકસાન થયું છે. હુથીઓને ઈરાનનું ખુલ્લું સમર્થન છે અને તેઓ હમાસના સમર્થનમાં સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યા છે. જેના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગો પૈકીનો એક સમુદ્રી માર્ગ હવે જોખમમાં મુકાયો છે. આ જ કારણ છે કે હવે ઘણી કંપનીઓ આફ્રિકા મારફતે બિઝનેસ કરી રહી છે. આનાથી ઘણો ખર્ચ થઈ રહ્યો છે.
ADVERTISEMENT