વિપિન પ્રજાપતિ/પાટણ: ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર પાસે આવેલા નાનકડા દેથલી ગામમાં એક હજાર વર્ષ જૂનું ચામુંડા માતાજીનું મંદિર જર્જરિત થઈ ગયું હતું. ગામમાં રહેતા દરેક ધર્મના લોકોએ એક મીટિંગ બોલાવી હતી જેમાં 1 કરોડની કિંમતે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ માટે ગામમાં 3 દિવસ સુધી હવન-યજ્ઞ કરાશે.
ADVERTISEMENT
જોકે માત્ર 6000ની વસ્તી ધરાવતા નાનકડા દેથલી ગામમાં 1 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરવું મુશ્કેલ કામ હતું. એવામાં ગામના જ મુસ્લિમ સમાજના લોકો આ સેવા કાર્યમાં આગળ આવ્યા. ગામના આગાખાન મોમિન સમાજે રૂ.11 લાખનું દાન મંદિર બનાવવા માટે આપ્યું, જ્યારે સુન્ની મુસ્લિમ સમાજના લોકોએ પણ રૂ.51 હજારનું દાન આપ્યું.
3 દિવસ સુધી મુસ્લિમ સમાજે ધંધા-રોજગાર બંધ કર્યા
આટલું જ નહીં દેથલી ગામમાં ત્રણ દિવસ સુધી ચાલનારા યજ્ઞમાં મુસ્લિમ સમુદાયના લોકો પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને મંદિર માટે દરેક સેવા માટે આગળ આવીને ભાગ લઈ રહ્યા છે. ગામમાં ચામુંડા માતાના નવનિર્મિત મંદિરના દર્શનમાં દરરોજ લગભગ 10 હજાર જેટલા લોકો આવે છે તેમના માટે ચા-પાણીની વ્યવસ્થા પણ મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
નાનકડા ગામે ધર્મ પર રાજનીતિ કરતા લોકોને આપી શીખ
દેશમાં એક બાજુ લોકો ધર્મના નામે રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે પાટણના આ નાનકડા ગામમાં તમામ ધર્મના લોકો વિવિધતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તાજેતરમાં જ નવરાત્રી દરમિયાન હિન્દુ સંગઠનોના કાર્યકર્તા દ્વારા ગરબામાં મુસ્લિમ સમુદાયના યુવકો આવતા વિરોધ કરાયો હતો, પરંતુ આ ગામના લોકોની એકતા પર નજર કરવાની અને સમજવાની જરૂર છે કે ધર્મ એકતા શીખવાડે છે, ભાગલા કરવાનું નહીં.
ADVERTISEMENT