સંજયસિંહ રાઠોડ/સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં ઠાકોરજી વાડીમાં ગરબાના આયોજનમાં સોમવારે રાત્રે ભારે ધમાલ મચી ગઈ. ગરબા આયોજકો દ્વારા ગરબા સ્થળ પર મુસ્લિમ બાઉન્સર તૈનાત કરાતા વિરોધ કરવા મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તાઓ અહીં પહોંચી ગયા હતા. જે બાદ બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી. બનાવની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો સંભાળી લીધો હતો.
ADVERTISEMENT
મારા મારીની ઘટના મોબાઈલમાં કેદ થઈ
જોકે આ વિવાદના કારણે ગરબા પણ બંધ કરી દેવા પડ્યા હતા. મોબાઈલથી ક્લિક કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બજરંગદળના કાર્યકર્તાઓ અને બાઉન્સરો વચ્ચે મારપીટ થઈ રહી છે. આ હંગામાના કારણે ગરબા રમવા આવેલા લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો.
વેસુ વિસ્તારમાં ગરબાનું આયોજન કરાયું હતું
નવરાત્રીના પર્વ દરમિયાન સુરત સહિત રાજ્યભરમાં અલગ-અલગ આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સુરતના વેસુ વિસ્તારમાં ઠાકોરજી વાડીમાં ગરબા આયોજનમાં મુસ્લિમ બાઉન્સર તૈનાત કરાયા હોવાની જાણકારી બજરંગ દળને મળી હતી. તેની તપાસ માટે બજરંગદળના કાર્યકર્તા ગરબા સ્થળે ગયા હતા. જે માહિતી સાચી પડતા બજરંગ દળના કાર્યકર્તાઓ 3થી 4 દિવસથી ગરબા આયોજકોને સમજાવી રહ્યા હતા કે મુસ્લિમ બાઉન્સરને ન રાખે. તેમ છતાં મુસ્લિમ બાઉન્સર રાખવામાં આવતા બજરંગ દળના કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા હતા.
50થી 60 મુસ્લિમ બાઉન્સરો તૈયાત કરાયા હતા
જેથી સોમવારે રાત્રે બજરંગદળના કાર્યકરો ઠાકોરજીની વાડીએ પહોંચ્યા હતા અને તેમણે બાઉન્સરોના નામ પૂછવાનું શરૂ કરી દીધું હતું. જોકે તમામ બાઉન્સરોએ પોતાના હિન્દુ નામ બતાવ્યા હતા. જેને લઈને બજરંગદળના કાર્યકર્તા અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું. પોલીસ સમય પર સ્થળ પર પહોંચી ગઈ અને મામલો શાંત કર્યો. વિવાદના કારણે સોમવારે રાત્રે ગરબા બંધ કરાવાયા. જાણકારી મુજબ, સ્થળ પર 50થી 60 મુસ્લિમ બાઉન્સરો તૈનાત હતા. મારામારીમાં બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે. જોકે આ મામલે કોઈપણ પક્ષે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.
ADVERTISEMENT