અમદાવાદ: શહેરમાં 31મી ડિસેમ્બરની રાત્રે ચાણક્યપુરી વિસ્તારમાં રેલવે ફાટક પાસે એક યુવકની અજાણી લાશ મળી આવી હતી. પ્રાથમિક રીતે પોલીસે ટ્રેનની ટક્કરથી મોત થયાનું માન્યું હતું, જોકે બાદમાં ઘટનાના સીસીટીવી સામે આવતા કેટલાક યુવકો તેને મારતા દેખાયા હતા. જેની તપાસ કરતા પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત તો એ છે કે મૃતક યુવકને પાઠ ભણાવવા માટે પ્રેમિકાના પિતરાઈ ભાઈએ જ ભાડેથી 50 હજારમાં ગુંડા બોલાવી યુવક પર હુમલો કરાવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: ‘હું હોઉં કે નહીં 2022 જેવી જીત 2024માં પણ મળવી જોઈએ’, પાટીલે નેતાઓને આપી શીખ
પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઈ
ઘટનાની વિગતો મુજબ, ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈનો નાનો ભાઈ રાજેન્દ્ર 15 દિવસ પહેલા વતનથી અમદાવાદ આવ્યો હતો. રવિવારે સાયન્સ સિટીથી હેબતપુર રોડ તરફ બ્રિજ પાસે તેનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં તપાસમાં કરતા જાણવા મળ્યું કે કેટલાક શખ્સોએ રાજેન્દ્રને માર મારીને ફેંકી દીધો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. મૃતકના ભાઈની ફરિયાદની તપાસ કરતા પ્રેમ પ્રકરણમાં રાજેન્દ્રને 3 યુવકો માર મારતા દેખાયા જેમને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી.
રૂ.50 હજારમાં યુવકના હાથ-પગ તોડવા સોપારી આપી હતી
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, રાજેન્દ્રને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. આ યુવતીના પિતરાઈ ભાઈએ જ રાજેન્દ્રને પાઠ ભણાવવા માટે રૂ.50 હજારમાં ત્રણ ગુંડાઓને સોપારી આપી હતી. જોકે માત્ર રાજેન્દ્રના હાથ-પગ તોડીને પાઠ ભણાવવા કહેવાયું હતું, પરંતુ આરોપીઓએ તેને એટલી હદે માર્યો કે તેનું મોત નિપજ્યું હતું. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે ત્રણેય આરોપીઓએ મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દીધો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT