મુંબઈ: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે (1 જૂન) ઘૂંટણની સર્જરી કરાવી હતી. IPLની 16મી સિઝનમાં તે ઘૂંટણની સમસ્યા સામે લડતો જોવા મળ્યો હતો. IPL જીત્યાના 48 કલાકની અંદર તેણે મુંબઈમાં ડૉક્ટરની સલાહ લીધી. ધોનીએ એ જ ડૉક્ટરની સલાહ લીધી છે જેણે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની સારવાર કરી હતી. જે બાદ સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની બુધવારે (31 મે) ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં તેના ઘૂંટણની સારવાર માટે હતો. હવે ગુરુવારે સવારે આઠ વાગ્યે તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન ધોની ડૉ.દિનશા પારડીવાલાને મળ્યો હતો. દિનશા સ્પોર્ટ્સ ઓર્થોપેડિક્સના નિષ્ણાત તેમજ હોસ્પિટલમાં સ્પોર્ટ્સ મેડિસિનના ડિરેક્ટર છે. તે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની પણ સારવાર કરી રહ્યા છે. તેમણે 2019માં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું પણ ઓપરેશન કર્યું છે.
CSKના CEOએ આપી માહિતી
મુંબઈ જતા પહેલા ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ સાથે આ અંગે વાત કરી હતી. ફ્રેન્ચાઈઝીએ ધોનીની સાથે તેની ટીમના ચિકિત્સક ડો. મધુ થોટ્ટાપિલીને મુંબઈ મોકલ્યા છે. આ પહેલા બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને ધોનીની ઈજા અંગે માહિતી આપી હતી. ધોની આઈપીએલ દરમિયાન ડાબા ઘૂંટણની ઈજાથી પરેશાન જોવા મળ્યો હતો. તે દરેક મેચમાં ખાસ પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરતો હતો.
IPL દરમિયાન ધોનીએ નીચા ક્રમમાં બેટિંગ કરી હતી. જ્યારે તેને તેના વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે વધારે દોડી શકતો નથી. વિશ્વનાથને સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું હતું, “હા, એ સાચું છે કે ધોની તેના ડાબા ઘૂંટણની ઈજા માટે તબીબી સલાહ લેશે અને તે મુજબ નિર્ણય લેશે.”
ADVERTISEMENT