અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં શંકાશીલ પતિ રોજ પત્નીને માર મારતો હતો. ઘર કંકાશમાં રોજ રોજના ત્રાસથી કંટાળીને પત્નીએ દીકરી સાથે મળીને જ પતિની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હત્યા બાદ પતિનું મોત કુદરતી લાગે તે માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ લાશનું પોસ્ટમોર્ટમ કરાતા રિપોર્ટમાં સમગ્ર હત્યાનો પર્દાફાસ થઈ ગયો હતો. જે બાદ સરદારનગર પોલીસે માતા અને દીકરી વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
20 વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ
વિગતો મુજબ, સરદારનગરમાં રહેતા ગીતાબેનના 20 વર્ષ પહેલા કિશોર જાદવ સાથે લગ્ન થયા હતા. બેકાર પતિ કિશોર જાદવ દરરોજ શંકામાં પત્ની ગીતાબેન સાથે મારઝૂડ કરતો હતો અને બે દીકરીઓને પણ ઢોર માર મારતો હતો અને દારૂ પીતો હતો. બે દીકરીઓ નોકરી કરતી તેમાંથી પરિવારનું ગુજરાન ચાલતું હતું. રવિવારે પણ કિશોરે પત્ની અને દીકરીને વાળ પકડીને માર માર્યો હતો. જેથી ઉશ્કેરાયેલી મા-દીકરીએ દારૂડિયા અને શંકાશીલ પતિથી કંટાળીને તેની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. દરમિયાન કિશોર જ્યારે સૂઈ રહ્યો હતો ત્યારે ગીતાબેને દુપટ્ટાથી પતિનું ગળું દબાવી દીધું, જ્યારે દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકીને મોઢું દબાવી રાખ્યું હતું.
આ પણ વાંચો: નર્મદામાં પકડાયો લાંચિયો તલાટી, બિલ પાસ કરવા લાંચ માગતો હતો, સરપંચે જબરો પરચો બતાવ્યો
કેવી રીતે થયો હત્યાનો ખુલાસો?
બાદમાં ગીતાબેને પોતાના ભત્રીજાને ફોન કરીને જણાવ્યું હતું કે કિશોર ઉઠી રહ્યા નથી. જેથી તેમને હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જોકે ભત્રીજાને શંકા ગઈ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા સરદારનગર પોલીસે ગુનો નોંધીને માતા-દીકરીની ધરપકડ કરી હતી.
1 કલાક સુધી પત્ની દુપટ્ટો પકડીને બેસી રહી
સમગ્ર મામલે પોલીસે તપાસ બાદ જણાવ્યું કે, મા-દીકરી પર હત્યાનું ઝૂનુન સવાર હતું. પત્ની ગીતાબેનને પતિ જીવી ગયો તો ફરી મારશે, તે વાતનો એટલો બધો ડર હતો કે તેઓ કિશોરના ગળામાં એક કલાક સુધી દુપટ્ટો બાંધીને બેસી રહ્યા હતા. હાલમાં તો સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT