Fire incident in delhi : દિલ્હીના અલીપુર માર્કેટમાં ગુરુવારે સાંજે એક કલરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટના સમયે ખૂબ જ સાંકડા વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા અને આગ લાગ્યા બાદ બહાર નીકળી શક્યા નહતા. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે. આગ એટલી ભયાનક હતી કે જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. આગ લાગતા જ આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ADVERTISEMENT
મૃતકોની નથી થઈ શકી ઓળખ
કલરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યા બાદ આસપાસની દુકાનો અને કેટલાક મકાનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. એવી આશંકા છે કે શ્રમિકો સિવાય પણ કેટલાક લોકોના મૃત્યુ થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. મોડી રાત સુધી આગ ઓલવવાની કામગીરી ચાલુ રહી હતી અને સવારે ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી.
ફાયર બ્રિગેડની 22 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ
ફાયર બ્રિગેડની ગાડીઓ આવે તે પહેલા આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે અલીપુરની બજારમાંથી પણ ઉંચી જ્વાળાઓ દેખાતી હતી. આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી જોઈ શકાતા હતા. આગની ઘટના બાદ ધુમાડાના કારણે આસપાસના મકાનોમાં રહેતા લોકો બેભાન થઈ ગયા હતા. નજીકની ઇમારતમાંથી ત્રણ લોકોને પણ LNJP હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
પેઈન્ટ ફેક્ટરીમાંથી કુલ 11 મૃતદેહો મળી આવ્યા
ફાયર બ્રિગેડની 22 ગાડીઓએ કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થઈ ચૂક્યા હતા. ફેક્ટરી સોનીપતના રહેવાસી અશોક જૈનના પુત્ર અખિલ જૈન દ્વારા ચલાવવામાં આવી રહી હતી. NDRF અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગારી હાથ ધરી હતી. પેઈન્ટ ફેક્ટરીમાંથી કુલ 11 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં 10 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT