નવી દિલ્હી: ઉત્તર ભારતમાં હાલ ઠંડીનો ચમકારી ચાલી રહ્યો છે. ભારત જ નહીં અમેરિકા અને જાપાનમાં પણ ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે. અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. આ સાથે જ ઠંડા પવનોથી લોકોને ભીષણ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં બરફના તોફાનમાં 26 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે જાપાનમાં પણ ભારે બરફ વર્ષાથી 14 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે.
ADVERTISEMENT
અમેરિકાના મોન્ટાનામાં -45 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું
અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સ્નો સ્ટોર્મને પગલે 7 લાખ ઘરોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. ઠંડીથી સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક છે. અહીં 43 ઈંચ બરફ વર્ષા થઈ છે. જેના કારણે લોકોનું રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. અહીં 12 લોકોના મોત થઈ ગયા છે. મોન્ટાનામાં તાપમાનનો પારો -45 ડિગ્રીએ પહોંચી ગયો છે, જ્યારે ડેસ મોઈન્સમાં -38 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. ભારે બરફવર્ષા અને ઠંડીના કારણે 2000 ફ્લાઈટ્સ રદ થઈ ગઈ.
જાપાનમાં પણ ઠંડીનો પ્રકોપ
બીજી તરફ જાપાનમાં પણ ભીષણ ઠંડી ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે બરફ વર્ષાના કારણે 17 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં જુદી જુદી ઘટનાઓમાં 14 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 87 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાપાનના નિગાતામાં 1.2 મીટર સુધી બરફ વર્ષા રેકોર્ડ થઈ છે. આ ઘટનાના કારણે 2000 ઘરોમાં લાઈટ જતી રહી છે.
ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યુ
ભારતમાં પણ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રધેશ સહિત જુદા જુદા રાજ્યમાં ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીએ પોતાનો રંગ બતાવી દીધો છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હીમાં તાપમાન 4 ડિગ્રીએ પહોંચી ગયું છે અને આગામી 3-4 દિવસ આવું જ હવામાન રહેશે. રાજસ્થાનના ચૂરુમાં પારો શૂન્ય ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે ફતેહપુર શેખાવટીમાં પારો માઈનસ 1.5 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગે શીત લહેરની વોર્નિંગ આપી છે. જમ્મુ કાશ્મીરમાં પણ ઠંડીનો પારો માઈનસમાં છે.
ADVERTISEMENT