વડોદરા: વડોદરાના પાદરામાં ડોક્ટર દ્વારા આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની. ખીર ખાવાના કારણે બાળકો સહિત 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા અફરા તફરી મચી ગઈ હતી. તબિયત ખરાબ થતા તમામ લોકોને તાત્કાલિક પાદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ ગંભીર હાલત હોય તે તમામ લોકોને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવા પડ્યા હતા.
ADVERTISEMENT
બાળકો પણ બન્યા ફૂડ પોઈઝનિંગનો શિકાર
પાદરાના ગોવિંદપુરામાં હોમિયોપેથિક ડોક્ટર દ્વારા નિયાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. કાર્યક્રમમાં આવેલા લોકોને પીરસવામાં આવેલી ખીર ખાવાથી ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. જેમાં બાળકો પણ સામેલ છે. એક સાથી 100થી વધુ લોકોની તબિયત લથડતા દોડાદોડ મચી ગઈ હતી. પાદરાની હોસ્પિટલોના રસ્તામાં એમ્બ્યૂલન્સની સાયરનો તેમજ બીજી તરફ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને નેતાઓ હોસ્પિટલ દોડી ગયા હતા.
કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ, ઘટનામાં તબિયત વધુ લથડતા કેટલાક લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તથા આરોગ્ય વિભાગની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવાનો આદેશ અપાયો હતો. જોકે હાલમાં મોટાભાગના દર્દીઓની હાલત સુધારા પર છે.
અગાઉ સુરતમાં પણ બની હતી આ પ્રકારની ઘટના
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુરતના કતારગામમાં પણ આ પ્રકારે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. તેમાં એક લગ્નમાં જમણવાર પ્રસંગે 90થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT