મોરબી: મોરબી નગરપાલિકાના સુપરસીડ કેમ ન કરવી જોઈએ આ માટે પાલિકાના હોદ્દેદારોએ ગઈકાલે બેઠક બાદ પોતાનો જવાબ સરકારમાં રજૂ કર્યો હતો. જેમાં દોષનો ટોપલો બીજા પર ઢોળી પોતાની કોઈ જવાબદારી ન હોવાનું જણાવ્યું. પાલિકાના હોદ્દેદારોએ મોરબી દુર્ઘટના માટે ચીફ ઓફિસર અને ઓરેવાના સંચાલકોને જવાબદાર ગણાવ્યા છે.
ADVERTISEMENT
બે જવાબ રજૂ કરી સરકારની નોટિસનો જવાબ અપાયો
મોરબી દુર્ઘટના પર હાઈકોર્ટે સરકારને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગેનો જવાબ માગી શહેરી વિકાસ વિભાગે 2 નોટિસ ફટકારી હતી. જેથી બુધવારે મોરબી પાલિકાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં સાધારણ સભા મળી હતી. જેમાં બે અલગ જવાબો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ જવાબમાં તમામ 52 સભ્યો વતી પ્રમુખે જવાબ રજૂ કર્યો હતો જેમાં ઝૂલતા પુલનું મેનેજમેન્ટ ઓરેવા ગ્રુપને સોંપવામાં થયેલા એગ્રીમેન્ટ પર ચીફ ઓફિસરની સહી છે. પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ કે કારોબારી ચેરમેન એગ્રીમેન્ટ બાદના રોજકામમાં જ માત્ર સહી કરે છે. જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપને સોંપાયો હતો, પરંતુ જનરલ બોર્ડમાં આ અંગે ઠરાવ કરી કોઈ મંજૂરી આપી નથી.
52માંથી 41 સભ્યોએ બીજો જવાબ રજૂ કર્યો
જ્યારે બીજા જવાબમાં 52માંથી 41 સભ્યોએ આ એગ્રીમેન્ટ બાબતે તેમજ ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ગ્રુપને સોંપવા બાબતે કંઈ ન જાણતા હોવાનું જણાવી પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો.
મોરબી હોનારતમાં 135ના મોત થયા
નોંધનીય છે કે, મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ થયેલી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અનેક સેંકડો લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. નવા વર્ષની રજાઓમાં પરિવાર સાથે ફરવા નીકળેલા લોકોના મચ્છુમાં ડૂબી જતા અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી, તો કોઈએ પોતાના લાડકવાયાને ગુમાવ્યા હતા.
ADVERTISEMENT